Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવો તો આવશે મુશ્કેલી, દંડ પણ જાણો

5 days ago
Author: Tejas Rajpara
Video

અમદાવાદ: શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં, અપેક્ષિત સફળતા મળી નથી. અનેક વખત સમયમર્યાદા લંબાવવા છતાં હજુ પણ હજારો શ્વાન માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આ પરિસ્થિતિને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રજિસ્ટ્રેશનની નબળી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. શહેરમાં અંદાજે 50,000 પાલતુ શ્વાન હોવાનો અંદાજ છે, જેની સામે માત્ર 18,000 જેટલા જ રજિસ્ટ્રેશન થયા છે. હવે જો કોઈ માલિક પ્રથમ વખત રજિસ્ટ્રેશન વગર પકડાશે તો તેને રૂ. 20,000નો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર પકડાવા પર દંડની રકમ વધારીને રૂ. 50,000 કરવામાં આવશે અને ત્રીજી વખત પકડાયા તો પોલીસ કેસ કરવાની પણ તૈયારી છે.

AMCના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા વર્ષ 2025ની શરૂઆતથી આ ઝુંબેશ તેજ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન પશ્ચિમ ઝોનમાં (4,785) નોંધાયા છે, ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ ઝોન (3,897) અને પૂર્વ ઝોન (2,773)નો નંબર આવે છે. સૌથી ઓછા રજિસ્ટ્રેશન મધ્ય ઝોનમાં માત્ર 751 નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં રજિસ્ટ્રેશન ફી રૂ. 200 હતી જે વર્ષના અંત સુધીમાં વધીને રૂ. 2,000 સુધી પહોંચી છે.

આ પ્રક્રિયા માત્ર સરકારી આંકડા માટે નથી, પરંતુ ભારતને 'રેબીઝ મુક્ત' બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકનો એક ભાગ છે. રજિસ્ટ્રેશન દ્વારા કોર્પોરેશન પાસે શહેરમાં કેટલા પાલતુ પ્રાણીઓ છે અને તેમનું વાર્ષિક રસીકરણ (Vaccination) સમયસર થાય છે કે નહીં તેનો સચોટ ડેટા રહેશે. નિષ્ણાતોના મતે ભવિષ્યમાં પાલતુ પ્રાણીઓના વિવાદ કે કરડવાની ઘટનામાં રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ માલિકો માટે પણ કાયદેસરના પુરાવા તરીકે મદદરૂપ સાબિત થઈ શકે છે.