Tue Jan 27 2026

Logo

White Logo

ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

5 days ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે આગામી ફેબ્રુઆરીથી ટૅરિફ લાદવામાં નહીં આવે, એમ દાઓસમાં જણાવતા ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત ડૉલરમાં સલામતી માટેની માગ ઘટી હતી. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો હતો અને 91.58ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલની ઐતિહાસિક 91.65ની નીચી સપાટી સામે સુધારાના અન્ડરટોને 91.54ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.68 અને ઉપરમાં 91.48ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે 91.58ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 68 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો. 

વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી ભૂરાજકીય અનિશ્ચિતતાઓ અને અમેરિકા સાથે વિલંબિત થઈ રહેલા વેપાર કરારને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં દબાણ જળવાઈ રહેશે, એમ ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. તે પ્રમાણે સીઆર ફોરેક્સ એડ્વાઈઝર્સનાં મેનેજિંગ ડિરેક્ટર અમીત પાબારીએ જણાવ્યું હતું કે વૈશ્વિક જોખમી પરિબળો મોટા ભાગે રૂપિયાને આંશિક ધોરણે દબાણ હેઠળ રાખશે અને હવે કોન્સોલિડેશનનાં તબક્કામાં આવે તેમ જણાય છે. તેમ જ હાલના તબક્કે ડૉલર સામે રૂપિયા માટે 92ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી રહેશે અને આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 90.50થી 90.70ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 98.72 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 397.74 પૉઈન્ટનો અને 132.40 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.14 ટકા વધીને બેરલદીઠ 65.33 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાના તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1787.66 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.