અરવિંદ વેકરિયા
તુષારભાઈ ‘ફેરા’માં અંદર થઈ ગયાં એનો જરાપણ અણસાર ન આવવા દીધો. કલ્પના પણ નહોતી કે તે કેવો ‘બિઝનેસ’ કરતાં હશે. જોકે તે આ માટે ખરેખર દોષિત હશે કે નહીં! સંભવ છે કે એનાં સાળાએ કહ્યું એ મુજબ અઠવાડિયા પછી હકીકત શું છે એ ખબર પડે, કદાચ. કલાકારોને સચેત કરી નાંખ્યાં હતાં અને એ કહેવાની હિંમત ક્યાંથી આવી ગયેલ એની આજ સુધી ખબર નથી પડી. અઠવાડિયા પછી ‘બહાર’ આવશે કે નહીં એ અટકળનો વિષય હતો. હવે તો બધું વિચારીને કરવું પડે એવો સમય આવી ગયો છે.
સમયે શીખવાડ્યું છે કે પોતાનાં પર પણ શંકા કરવાનું, બાકી અમે તો પારકા ઉપર પણ ભરોસો કરતાં’તા. નિર્માતા તુષારભાઈ એનું તાજું ઉદાહરણ. એ નિર્માતા તો હતા અને આ પહેલાં પણ એમની સાથે નાટકો કરેલાં. નિર્માતાનું પદ હવે માત્ર સંબોધન, સન્માન મેળવવા લાયક બનવું પડે. નાટક માટે બધાની આટલી મહેનત, લોકોનો આટલો સરસ પ્રતિસાદ અને સંસ્થાઓ પણ શો લેતી થઈ ગયેલ... આવેલું આ સુખ ‘ફેરા’ એ ફેરવી નાંખ્યું. હવે? સુખ શોધવું પડે એનાથી મોટું દુ:ખ શું?
આ બધાં વિચારોમાં અટવાયેલું મગજ, ત્યાં ફોનની ઘંટડી વાગી... સામે છેડે મુકેશ રાવલ હતો. (આજે હયાત નથી)વાત એણે શરૂ કરી: ‘હાય, દાદુ! તારું નાટક ‘...મળે સુર..’ જોયું. ખૂબ ગમ્યું. એમાં પણ એક સંવાદ મને અપીલ કરી ગયો... ’ મેં પરાણે કહ્યું, ‘થેંકયુ...મુકેશ! કયા સંવાદે તને અપીલ કરી?’ એણે વળતો જવાબ આપ્યો, ‘ત્રણ દંપતીમાંથી જે અહમમાં અટવાતું કપલ... જેમાં પતિનો રોલ તુષાર ત્રિવેદી કરે છે. પતિ-પત્નીના અહમના ટકરાવને કારણે તુષારનો સંવાદ જે પતિ-પત્ની એ સમજવા જેવો છે : પતિ-પત્નીનો ઝગડો એટલે વહેલી સવારે ફૂલ પર પડેલી ઝાકળ જેવો, હજુ સમજાય-નસમજાય ત્યાં તો ઊડી જાય.
મને થયું કે મુકેશે નાટક બહુ ધ્યાનથી જોયું લાગે છે. એણે એનાં પુરાવા રૂપે તરત ફોન ઉપર પૂછ્યું :
‘તારાં નાટકના નિર્માતાને કોઈ પ્રોબ્લેમ આવ્યો છે?’
હું તાજુબ પામી ગયો. નક્કી મેં જે ખુલ્લાં મને વાત કરેલી એમાંથી જ કોઈ કલાકારે મુકેશ સામે એ વાત કરી. છુપાવવાની વાત ખુલ્લી કરી નાંખી લાગે છે. આટલી ખાનગી રાખવાની વાત કેમ જાહેર થાય.?
મેં થોડાં અટકતાં અટકતાં જવાબ આપ્યો, ‘હા, થોડો પ્રોબ્લેમ તો થયો છે. અઠવાડિયામાં ક્લેરિટી મળી જશે.’
‘જો કોઈ તકલીફ હોય તો હું આખું પ્રોડક્શન લઈ લેવાં તૈયાર છું’ એ બોલ્યો. મેં કહ્યું, ‘થેંક યુ , મુકેશ! પણ વાત...’ ત્યાં જ મુકેશ શરૂ થઈ ગયો,
‘કોઈ જબરજસ્તી નથી દાદુ. આ તો નાટક મને ગમ્યું છે અને ચાલે એવું છે. વાર્તામાં નવીનતા લાગી. બાકી વિજય રાવલ તારી સાથે કાલે ડિટેઇલમાં વાત કરશે. બાકી તારી ઇચ્છા.’ કહી ફોન મુક્યો.
મને થયું કે અવસર અને સૂર્યોદયમાં એક સમાનતા છે, મોડું કરવાવાળા એ ખોઈ બેસે છે. થયું, મારાં મને કહ્યું કે આ તક ગુમાવવી ન જોઈએ. બીજા મને આ વિચાર ટપારતાં કહ્યું કે આખુ પ્રોડક્શન વેચી દેવાની વાત ન કરતો. અઠવાડિયા પછી ધાર કે તુષારભાઈ ‘પ્રગટ’ થયાં એ પહેલાં કોઈ લેખિત કરાર બનાવી નાખ્યાં એ પણ કોઈ સત્તા વગર, તો તુષારભાઈને શું જવાબ આપીશ?
તારો સંજોગોવસાત લીધેલ નિર્ણય તુષારભાઈ સ્વીકારશે? નાટક ચાલતું રહે તો મને પણ ‘કવર’ મળવાનાં હતા જો કે તુષારભાઈ સાથે હવે પારિવારિક સંબધ બંધાય ગયેલાં. કાગળીયા અને જો સહી-સિક્કા થઈ ગયાં હશે તો મુકેશને પણ શું જવાબ આપું? દાલ-રોટી નીકળે એટલે આવો નિર્ણય જલ્દી કઈ રીતે લઉં? રોટલી કમાવી એ મોટી વાત નથી, પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે. અને તુષારભાઈ પારિવારિક સભ્ય બની ગયેલાં...
બીજે દિવસે વિજય રાવલનો ફોન આવ્યો. ‘દાદુ, મુકેશ સાથે તારે વાત થઈને? ખબર નહીં અમારામાંથી વાત કોણે મુકેશને કહી હશે? વાત વધુ ફેલાવી ન જોઈએ. તુષારભાઈનો કોઈ દોષ હશે કે નહીં એ તો પુરવાર થાય ત્યારે ખબર પડે. એ માટે હાલ અઠવાડિયું તો રાહ જોવાની જ હતી.’
વિજય કહે, ‘એ બાબત તું ચિંતા ન કર...જેણે પણ તારાં ગ્રુપમાંથી મુકેશને કહ્યું હશે એ તારાં નાટકનાં ભલા માટે જ કહ્યું હશે કે નાટક ચાલુ રહે. તને એ ‘નામ’ મળે તો પણ તું મૂંગો રહે એવી મારી મિત્રભાવે સલાહ છે.’
મેં કહ્યું, ‘ભલે... હવે મૂળ વાત કહે.’
વિજયે ફરી વાતનું અનુસંધાન સાધ્યું :
‘જો દાદુ, ફેરામાં ‘અંદર’ ગયેલાં ક્યારે ‘બહાર’ આવે તે કહી ન શકાય. મુકેશનો બ્રધર છે-દેવેશ રાવલ (હયાત નથી) જેને ક્ધસ્ટ્રકશનનું કામ છે. મુકેશ સાથે એ તારું નાટક અટકી ન પડે એટલે આખું પ્રોડક્શન પોતાને હસ્તક લઈ લેવા માંગે છે. તું જો, આ બાબત ‘હા’ પાડે તો એગ્રીમેન્ટ બનાવી નાખીએ.’
હું જરા ચોંકી ગયો. મેં કહ્યું, ‘ખરાબ નહીં લગાડતો પણ.. મારાં અને તુષારભાઈનાં સંબંધ જરા જુદા છે. એમની હાલની સ્થિતિનો ગેરલાભ લઈ સંબંધ ઉપર પ્રશ્નાર્થ ન મૂકી શકું. વાસ્તવિક સંબંધ લખવાનાં, વાંચવાના કે જાહેરમાં બતાવવાનાં નહીં પણ જીવવાનાં હોય છે... પ્રોડક્શન તો હું ન વેંચી શકું!’
વિજય બોલ્યો, ‘તો તું જ કહે... નાટક સારું બન્યું છે, લોકોને પસંદ પડ્યું છે ત્યારે નિર્માતાની પરિસ્થિતિને કારણે બંધ કરી દેશે? નાટક જો ચાલતું રહેશે તો બધાને ફાયદો છે. વાત રહી સંબંધ નિભાવવાની, તો આ કલિયુગ છે. આટલાં લાગણીવેડામાં આવેલી તક વેડફ્વા જેવી નથી એવું મારું માનવું છે.’
મેં કહ્યું, ‘દોસ્ત, તારો આભાર! પણ પ્રોડક્શન વેંચી દઉં એનાં કરતાં એક કામ ન થઈ શકે? જ્યારથી આપણે નક્કી કરીએ ત્યારથી તમે નાટકનો દોર તમારાં હાથમાં લઈ લો. થિયેટરની તારીખ નક્કી કરવી અને એનું ભાડું ભરવું તેમજ જા.ખ. બાબત દીપક સોમૈયા સાથે ક્લિયર વાત કરી લેવી અને કલાકારોને મહેનતાણું ચુકવવું વગેરે બધું તમારે સાંભળી લેવું. શોનું જે કલેક્શન થાય એ તમારું પછી એમાં ફાયદો હોય કે ખોટ. જો તુષારભાઈ આવી જાય તો પછી એ જ નિર્માતાની ફરજ અદા કરતાં થઈ જશે’
‘ઓહ! ઠીક છે. હું મુકેશ-દેવેશ સાથે વાત કરી તને જણાવું.’
તુષારભાઈ સાથેનો સંબંધ મારે અકબંધ રાખવો હતો. ચણતર ભીંતનું હોય કે સંબંધનું, ચણાય એટલે ખાસ કાળજી માગી લે.!
એક સર્વે મુજબ 40 ટકા લોકો પત્નીથી પરેશાન છે અને 60 ટકા લોકોને તેમની પત્નીઓએ ભાગ જ નહોતો લેવાં દીધો....