Tue Jan 27 2026

Logo

White Logo

લાફ્ટર આફ્ટર હીંચકે ઝૂલવું છે?

5 days ago
Author: Mumbaisamachar Team
Video

પ્રજ્ઞા વશી

‘કાલથી હું શાક લેવા જવાનો નથી.’
‘તો કોણ જશે?’
‘એ તું જાણે.’

‘રિટાયર્ડ થયા પછી તમે દસ કામનું મને લિસ્ટ આપેલું. જેમાં તમે લખેલું કે મને કયા કયા કામ કરી આપશો કે જેથી તમારો સમય પણ પસાર થાય.’

‘હા, પણ તારી જોહુકમી જોયા બાદ મેં નક્કી કર્યું છે કે હવે પછી હું શાકભાજી લેવા નહીં જ જાઉં.’
રસિકભાઈએ ઘણા દિવસનો ડૂમો પત્ની રમા ઉપર કાઢ્યો.
‘હવે એ તો કહો કે મેં કયા પ્રકારની જોહુકમી કરી છે.’

‘એક તો હું જે શાક લાવું એ શાક તને વાસી લાગે છે. કોઈ પાકટ, કોઈ પીળું તો કોઈ વાસી... રોજ નવાં નવાં બહાનાં અને કોઈ દિવસ મોંઘું લાગે છે.’

‘તે તમે શાક જોયા વગર લઈ આવો તો શાકવાળી વાસી જ આપે ને? ગાડીમાંથી લિસ્ટ આપીને ફોન મચડવા બેસી જાવ એટલે શાકવાળી ટોપલા નીચેનું વાસી શાક કાઢીને ભાઈને ભેરવી આપે. કદી તમે શાકવાળીના માથે ઊભા રહીને તોલાવ્યું છે? 

ભાવતાલ કર્યા છે? ત્રાજવાં કેવાં છે, કેવું તોલ આપે છે, એ જોયું છે?’ (ક્યારેય મેં તને ધારીને જોઈ નથી કે પરણીને લાવતાં પહેલાં જોઈ, તપાસી, માપીને જોયું નથી, તો બિચારાં શાકભાજી અને શાકવાળીને તો શું જોવાનો હતો!)
‘હવે કેમ મોંમાં મગ ભરી દીધા છે? એક જોહુકમી હોય તો કહું ને?’
‘તો કહો કહો, બધો ઊભરો કાઢી જ નાખો.’

‘મને પણ ખબર પડે ને કે કેટલા મહિનાથી ઘરમાં આંટાફેરા કેમ માર્યા કરો છો?’ ‘જોયું? આ મારું આંટાફેરા મારવાનું પણ તને હવે ખૂંચે છે. ખરું ને? શાકભાજીનું લિસ્ટ આપે તે પણ અધૂરું આપે. હજી શાક લઈને રિટર્ન થાઉં ત્યાં અધવચ્ચે તારો ફોન રણકે કે કોથમીર લીધી કે? અને હા, ટામેટાં લખવાનાં રહી ગયાં છે. 

જરાક સ્કૂટર ફેરવીને પાછા બજારમાં જઈ આવો. વીણીને અને કડક જોઈને લાલ લાલ લાવજો. બને તો દેશી લાવજો. બીયાંવાળા નહીં લાવતા. હજી માંડ ટામેટાં લઈને પાછો વળતો હતો, ત્યાં તને ઊંધિયાનો સામાન યાદ આવ્યો અને તેં રતાળુ, શક્કરિયાં ને કેળા લેવા મોટી બજારે રવાના કર્યો. એક આખી જાન જમાડવાની હોય એટલું શાકભાજી શોધીને લાવતાં મને હાંફ ચડી ગયો.’

‘તે એમાં શું થઈ ગયું? ઘરમાં બેસી રહીને તો હાડકાં પણ જામ થઈ જાય. સમજ્યા? ને તમે આટલું શાક લાવ્યા એમાં થાકી શેના ગયા? મારા બાપુજી તો નેવું વરસે પણ જાતે. શાકભાજી પકવતાં, તોડતાં અને લાવતા.’

‘તે તારા બાપાની તારી બા ઇન્કવાયરી કરતાં નહોતાં. જ્યારે તારી ફોજદારી તો હું શાક  લઈને હજી પ્રવેશું ત્યાં જ શરૂ થઈ જાય... આ સાવ મરેલી કોથમીર અને મરેલાં મરચાં... હે રામ! અને હા, લીલો મસાલો લાવ્યા?’

‘લીલો મસાલો કેવો હોય?’
‘કેમ? મેં તમને ગોખાવેલું કે શાકભાજી લીધાં પછી શાકવાળીને કહેવાનું કે આટલું બધું શાક લીધું માટે લીલો મસાલો મફત આપજો. મરચાં, આદુ, લીમડી, કોથમીર અને લીલું લસણ મફત લાવવાનું.’

 ‘અને તેં મને લીલો મસાલો લેવા પાછો બજાર મોકલેલો. તે યાદ છે ને?’
‘તે એમાં શું થઈ ગયું? ઘરના કામમાં બાદશાહ ગુલામ એ કહેવત યાદ છે ને?’

‘બહુ હોશિયારી નહીં માર. લીલો મસાલો લેવા ગયો તો બધી શાકવાળીઓ મારા ઉપર હસી અને એક બોલી, સાહેબ, લીલો મસાલો બે રૂપિયાનો ને તમે પાછા આવવામાં પચાસ રૂપિયાનું પેટ્રોલ ફૂંકી નાખ્યું! લીલો મસાલો તો કાલે પાછા આવતે ત્યારે અમે આપી દેતે.’ બહુ મોટી લીલા મસાલા મફત લેવા મોકલે છે! પણ એટલી ખબર નથી કે પેટ્રોલ કેટલાનું થશે. તારા કરતાં અભણ શાકવાળી હોશિયાર. ને બીજી વાત સાંભળ. હું ભાવતાલ કરવાનો નથી ને શાકભાજી કે કરિયાણું પણ લેવા નહીં જ જાઉં. 
સમજી?’

‘જુઓ મહાશય, ખાવાનો ચટકો કોને વધારે છે તે કહો. સ્વાદિષ્ટ તેમજ જાતજાતનું, નવું નવું ખાવાનું કોને જોઈએ છે? ખાવાનું રિપીટ થાય કે તરત જ લેક્ચર પણ મારે જ સાંભળવું પડે છે. ગઈકાલે દાળ ઊકળતી હતી અને બહાર હીંચકે ઝૂલતાં ઝૂલતાં તમે કહેલું કે દાળમાં હિંગ બરાબર નાખી લાગતી નથી. જરા પણ હિંગનો પમરાટ નથી. દાળમાં ગોળ વધારે પડી ગયો લાગે છે. જરા ચાખજો... અને મેં ચાખી. દાળ ખરેખર ગળી અને હિંગ ઓછી! મને વિચાર આવ્યો કે નક્કી ગયા જન્મે તમે દેસાઈ જાતિના રસોઈયા મહારાજ હશો અને અનાવિલોને ત્યાં જાત જાતની રસોઈ બનાવી હશે.’

‘જો તું શાકભાજી કેવાં લાવવાનું મને શીખવે, તો હું તને રસોઈ કેવી બનાવવી તે શીખવી શકું એમ છું.’

‘તો આપણે એક કામ કરીએ. શાકભાજી, કરિયાણું અને બેંકનાં કામ હું કરીશ. કાલથી જ રસોઈ અને નાસ્તા તમે બનાવો. કારણ કે તમને મારી રસોઈ ભાવતી નથી અને મને તમારું કરિયાણું ને શાકભાજી ગમતાં નથી.’

‘જરા પણ નહીં. રિટાયર્ડ હું થયો છું. માટે હીંચકે તો હું જ ઝૂલવાનો. એમ પણ સ્ત્રીઓ કદી રિટાયર્ડ થતી જ નથી. છેલ્લે સુધી કામ કરવાનું ગૌરવ સ્ત્રીઓ જાતે જ જાતની પીઠ થપથપાવીને લઈ લે છે. માટે રમા, તું કામ કરવા જ સર્જાયેલી છે એ સ્વીકારી લે અને હું તો હીંચકે બેઠો બેઠો ચાર વખત નવું નવું ખાવાનો ઑર્ડર છોડતો રહીશ.’

‘તો પછી સાંભળો. કાલે જ તમારી દીકરીનો ફોન આવ્યો હતો. એ કહેતી હતી કે મમ્મી તેં બહુ કર્યું. હવે રસોઈવાળી અને બે કામવાળી એમ ત્રણ બહેનો રાખી લે. અને જે મેં હજી સુધી નથી કહ્યું તે તમે ધ્યાનથી સાંભળી લો. તમારી બહારની નોકરી, પણ તમારા કરતાં વધારે કલાકના-રાત દિવસનાં કામો મેં કર્યાં છે. હમણાં દીકરીની દીકરીને એક કલાક પણ રમાડવાની આવી, તો મને આપીને બહાર ચાલવા નીકળી ગયા. 

મેં બે બાળકોને મોટા કર્યાં. તો હવે હું મારી જાતે જ આજથી જ રિટાયર્ડ થાઉં છું. ગઈકાલે જ એક રસોઈવાળી અને બે કામવાળી રાખી લીધી છે. જેથી એક ન આવે તો બીજી કામવાળી એનું અને બીજી બંનેનું કામ પતાવે. અને હા, હવે તમારે જે ખાવું હોય તે હમણાં જ રસોઈવાળા બહેન આવે છે, તેમને કાગળમાં લિસ્ટ લખીને આપી દેવાનું. એમાં બે ટાઇમના ગરમ નાસ્તા અને બે ટાઇમનું ભોજન.

આ ત્રણેયના-કુલ બે કામવાળીના મળીને આઠ હજાર અને રસોઈવાળા બેનના બે ટાઇમના નવ હજાર તમારે દર મહિને તૈયાર રાખવાના. સમજ્યા? અને હા, તમારે આગલે હીંચકે અને મારે પાછલે હીંચકે ઝૂલવાનું. મને તો હીંચકો પણ કામવાળી બેન જ નાખવાની છે. હવે તમારે શું કરવું તે વિચારી લેજો....’