અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવક સામે અમેરિકાના H-1B વિઝા મેળવવા માટે બોગસ શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા જય પટેલ નામના યુવક અને તેને નકલી દસ્તાવેજો પૂરા પાડનાર એક અજાણી મહિલા સામે છેતરપિંડી અને કાવતરાની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસીબી (DCB) પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હૈદરાબાદમાં ઇન્ટરવ્યુ દરમિયાન ભાંડો ફૂટ્યો
મળતી વિગતો અનુસાર, ઘાટલોડિયાની એમકો સોસાયટીમાં રહેતા જય પટેલે ૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઓનલાઇન H-1B વિઝા માટે અરજી કરી હતી. તેણે પોતાના પાસપોર્ટ સાથે 'રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ' (RGITM) ના બે ડિગ્રી સર્ટિફિકેટ અને આઠ સેમેસ્ટરની માર્કશીટ્સ રજૂ કરી હતી. જ્યારે તે હૈદરાબાદમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ ખાતે ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યો ત્યારે તેની પૂછપરછમાં શંકા જાગી હતી. જય પટેલે કબૂલાત કરી હતી કે આ દસ્તાવેજો તેને 'ધ્રુતિ' નામની એક મહિલાએ વિઝા મેળવવા માટે તૈયાર કરી આપ્યા હતા.
વેરિફિકેશનમાં દસ્તાવેજો બોગસ નીકળ્યા
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિલ્હી સ્થિત RGITM સંસ્થા સાથે આ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવતા મોટો ખુલાસો થયો હતો. સંસ્થાએ પુષ્ટિ કરી હતી કે જય પટેલના નામે રજૂ કરવામાં આવેલા તમામ સર્ટિફિકેટ અને માર્કશીટ્સ બનાવટી અને નકલી છે. પોલીસના જણાવ્યા મુજબ, જય પટેલ અને તેની અજ્ઞાત મહિલા સાથીદારે વિઝા પ્રક્રિયામાં સત્તાવાળાઓને છેતરવા માટે આ દસ્તાવેજો ઘાટલોડિયાથી ઓપરેટ કરીને તૈયાર કર્યા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરું ઘડવાની કલમો હેઠળ જય પટેલ અને તેને મદદ કરનાર મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે 'ધ્રુતિ' નામની આ મહિલા કોણ છે અને તેની સાથે અન્ય કોઈ વિઝા કન્સલ્ટન્સી કે એજન્ટો સંડોવાયેલા છે કે નહીં.