નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વર્ષ 2026 ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે 'પીપલ્સ પદ્મ'ની વિભાવનાને આગળ ધપાવતા એવા મહાનુભાવોની પસંદગી કરી છે, જેમણે પાયાના સ્તરે સમાજમાં મોટું પરિવર્તન આણ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. જેમાં કલા, સાહિત્ય, સામાજિક સેવા અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોના પાયાના સંનિષ્ઠ સેવકોનો સમાવેશ થાય છે.
45 મહાનુભવોનું થશે પદ્મ પુરસ્કારથી સન્માન
કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુદાજુદા ક્ષેત્ર સાથે જોડાયેલા 45 મહાનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલા અને સંસ્કૃતિના ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભવોમાં ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, મીર હાજીભાઈ કાસમભાઈ, ભગવનદાસ રાયકર, ગફરુદ્દીન મેવાતી જોગી, રઘુવીર તુકારામ ખેડકર, તગા રામ ભીલ અને યુમનામ જાત્રા સિંહ જેવા કલાકારોને સન્માનિત કરાયા છે. સમાજ સેવા અને કૃષિ સાથે જોડાયેલા મહાનુભવોમાં નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા (સુરત), કોલ્લક્કયિલ દેવકી અમ્મા જી અને અંકે ગૌડાના નામ પ્રમુખ છે. આ સિવાય વિજ્ઞાન અને ચિકિત્સા સાથે જોડાયેલા મહાનુભવોમાં આર્મિડા ફર્નાન્ડીઝ, કુમારસ્વામી થંગરાજ અને રામચંદ્ર ગોડબોલે - સુનીતા ગોડબોલે (યુગલ) ને ચિકિત્સા ક્ષેત્રે યોગદાન બદલ પુરસ્કાર મળ્યો છે.

ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મ પુરસ્કાર
પદ્મ પુરસ્કાર 2026ની યાદીમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુરતના નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા, વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા અને જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈનો સમાવેશ થાય છે. નિલેશ મંડલેવાલાએ સુરતમાં 'ડોનેટ લાઈફ' (Donate Life) નામની સંસ્થા સ્થાપી છે. તેઓ ઘણા વર્ષોથી અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને બ્રેઈન ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાવીને હજારો લોકોને નવું જીવન અપાવવાનું કાર્ય કરી રહ્યા છે.
વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા જાણીતા માણભટ્ટ કલાકાર છે. પ્રેમાનંદના 30થી 40 આખ્યાનો કંઠસ્થ કરનાર ધાર્મિકલાલ પંડ્યા 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ તેમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. જેમાં હવે વધુ એક મહત્ત્વના પુરસ્કારનો ઉમેરો થયો છે.
જૂનાગઢના ગૌરવ સમાન અને લોકસંગીત જગતના દિગ્ગજ કલાકાર હાજીભાઈ કાસમભાઈ મીર, જેમને દુનિયા 'હાજી રમકડું' તરીકે ઓળખે છે, તેમને વર્ષ 2026ના 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઢોલક અને તબલાના તાલ પર આખી દુનિયાને ડોલાવનાર હાજીભાઈની સફર અત્યંત પ્રેરણાદાયી છે.