ઉડુપી: કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુન્દાપુરમાં એક દિવ્યાંગ એક્સ આર્મીમેનના અપમાનની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે રોષ જગાડ્યો છે. 25 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં વ્હીલચેર પર બેઠેલા દેશના જવાનની લાચારી અને ટોલ કર્મચારીઓની ઉદ્ધતાઈ જોવા મળી રહી છે.
હું વ્હીલચેર પર છું તેનું કોઈ કારણ છે
કેરળના કાસરગોડના રહેવાસી શ્યામરાજ, જેઓ 21મી પેરા મિલિટરીમાં આર્મી કમાન્ડો તરીકે સેવા આપી ચૂક્યા છે. 'ઓપરેશન પરાક્રમ' દરમિયાન દેશની રક્ષા કાજે પોતાનો પગ ગુમાવનાર શ્યામરાજ વ્હીલચેર પર છે. 25 જાન્યુઆરી, 2026ને રવિવારે ઉડુપી પાસેના સસ્થાન ટોલ પ્લાઝા પર તેમને અટકાવીને હેરાન કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Very disturbing to see our Braveheart Commandoo from Para SF being asked to pay toll despite a letter of exemption
— Meghna Girish 🇮🇳 (@megirish2001) January 26, 2026
'I am not a beggar..... asking for what is written here.... please respond @nitin_gadkari' he says
Shameful and sad to treat our disabled War Heroes like this.… pic.twitter.com/UqoLcWMgHe
વાયરલ વીડિયોમાં શ્યામરાજે વ્હીલચેર પર બેસીને જ પોતાની સાથે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા કરાયેલા દુર્વ્યવ્હારનું વર્ણન કર્યું છે. વીડિયોમાં શ્યામરાજ જણાવે છે કે, "મારી પાસે ટોલમાંથી મુક્તિ માટેના તમામ કાયદેસરના દસ્તાવેજો હોવા છતાં, ટોલ કર્મચારીઓએ મને રોકી રાખ્યો હતો અને ટોલ ચૂકવવા માટે દબાણ કર્યું હતું. મેં જ્યારે વિરોધ કર્યો, ત્યારે મને અપમાનિત કરવામાં આવ્યો હતો. જો હું વ્હીલચેર પર બેઠો છું તો તેની પાછળ કોઈ કારણ છે. યુદ્ધ પીડિત જવાનને આર્મી એક્ટ મુજબ ટેક્સ ફ્રી હોવા છતાં ટોલ માંગવામાં આવી રહ્યો છે."
NHAIએ નિયમોનો હવાલો આપ્યો
સોશિયલ મીડિયા પર શ્યામરાજનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. યુઝર્સે કાર્યવાહીની માંગ કરતા ટોલ કર્મચારીઓએ જાહેરમાં પોતાના વર્તન બદલ માફી માંગી લીધી છે. જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ મામલે અલગ વલણ અપનાવ્યું છે. NHAIના જણાવ્યા અનુસાર મફત ટોલની સુવિધા માટે ચાલુ ફરજ પરના સૈનિક હોવું અનિવાર્ય છે. આ કિસ્સામાં પૂર્વ સૈનિક ટોલ મુક્તિ માટે પાત્ર નહોતા.