Tue Jan 27 2026

Logo

White Logo

ફિલ્મસિટીમાં ટનલ ખોદકામનું માર્ચથી શરૂ થશે ગોરેગામ-મુલુંડ લિંક રોડમાં ટ્વીન ટનલ માટે ટીબીએમ મશીન માર્ચમાં જમીનમાં ઉતારાશે

5 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેકટ ગણાતા  ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ફિલ્મસીટીમાં અંડર ગ્રાઉન્ડ ટ્વીન ટનલ બનાવવામાં આવવાની છે. ટનલના ખોદકામ માટે જમીનની નીચે ટનલ બોરિંગ મશીન(ટીબીએમ) ઉતારવામાં માટે ‘લોન્ચિંગ શાફ્ટ’નું ખોદકામ ચાલી રહ્યું છે. એ બાદ ૧૦ માર્ચના ટીબીએમ મશીનને જમીનની નીચે ઉતારવામાં આવવાનું છે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામમાં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસીટી) પરિસરમાં ૫.૩ કિલોમીટર લંબાઈની ત્રણ માર્ગની ટ્વીન ટનલના બાંધકામ માટે ‘લોન્ચિંગ શાફ્ટ’નું ખોદકામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અંડર ગ્રાઉન્ડ ટવીન ટનલના બાંધકામ માટે બે અત્યાધુનિક ટીબીએમ વાપરવામાં આવવાના છે. તેમાથી એક ટીબીએમના તમામ ભાગ ઉપલબ્ધ છે તો બીજા ટીબીએમના અમુક ભાગ ગુરુવાર, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રાતના સાઈટ પર પહોંચવાના છે. ખોદકામના પહેલા તબક્કાના કામ પૂરા કરીને ૧૦ માર્ચ, ૨૦૨૬થી ટીબીએમને ‘શાફ્ટ’ને ઉતારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવવાની છે. એ બાદ જૂન ૨૦૨૬થી ટનલના ખોદકામની શરૂઆત કરવામાં આવશે. દરેક ટનલનો વ્યાસ લગભગ ૧૪.૪૨ મીટરનો હશે  એવું એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.


ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ ચાર તબક્કામાં પ્રસ્તાવિત છે. ત્રીજા તબક્કામાં  (બી)માં ગોરેગામમાં ફિલ્મસીટીમાં ૫.૩ કિલોમીટર લંબાઈની ટનલ બાંધવામાં આવવાની છે. તે માટે ટીબીએમને નીચે ઉતારવા માટે ‘લોન્ચિંગ શાફ્ટ’નું કામ ચાલી રહ્યું છે, જે અંદાજે ૨૦૦ મીટર લાંબો, ૫૦ મીટર પહોળો અને ૩૦ મીટર ઊંડો છે. ખોદકામ ચાલી રહ્યું હોઈ આજુબાજુની માટી નીચે ધસી ના પડે તે માટે ‘રૉક ઍકરિંગ’ કરવામાં આવી રહ્યું છે. હજી સાત મીટરનું ખોદકામ પૂરું થયા બાદ ટીબીએમ ઉતારવાનું કામ હાથ માર્ચમાં હાથ ધરાશે.



જીએમએલઆર મુંબઈમાં પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને એકબીજા સાથે જોડનારો નવો લિંક રોડ બની રહેશે. ખાસ કરીને ઉત્તર મુંબઈમાં ટ્રાફિક માટે બહુ મોટો ઉપયોગી સાબિત થવાનો છે.  જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડની સરખામણીમાં આ નવા લિંક રોડને કારણે પ્રવાસનું અંતર લગભગ ૮.૮૦ કિલોમીટરથી ઘટી જશે. આ પ્રોજેક્ટથી મુંબઈગરાના પ્રવાસનો સમય અને ઈંધણની બચત થશે.