આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં એકચક્રી શાસન ભોગવનાર ઓપનએઆઈ (OpenAI) માટે મુશ્કેલ સમયની શરૂઆત થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. એક અનુભવી રોકાણકારે ગંભીર ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, 500 બિલિયન ડોલરનું જંગી મૂલ્ય ધરાવતી આ કંપની અંદરખાનેથી નબળી પડી રહી છે. એઆઈ સેક્ટરમાં વધતી સ્પર્ધા અને સતત ઘટતા યુઝર્સને કારણે કંપનીના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કથિત રીતે મોકલેલા ઈન્ટરનલ ‘કોડ રેડ’ મેમોમાં કબૂલ્યું છે કે ગૂગલનું 'જેમિનાઈ' (Gemini) હવે ચેટજીપીટીના અસ્તિત્વને પડકારી રહ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, છેલ્લા બે મહિનાથી ચેટજીપીટીના ટ્રાફિકમાં સતત ઘટાડો નોંધાયો છે. તેની સામે ગૂગલના જેમિનાઈના માસિક યુઝર્સનો આંકડો 65 કરોડે પહોંચી ગયો છે. આ બદલાતા સમીકરણો સૂચવે છે કે યુઝર્સ હવે વધુ એડવાન્સ અને વૈવિધ્યસભર એઆઈ ટૂલ્સ તરફ વળી રહ્યા છે.
ટેકનોલોજી જેટલી આધુનિક છે, તેનો નિભાવ ખર્ચ તેટલો જ જંગી છે. માઇક્રોસોફ્ટના રિપોર્ટ મુજબ, ઓપનએઆઈએ માત્ર એક જ ક્વાર્ટરમાં 12 અબજ ડોલરનો તોતિંગ ખર્ચ કર્યો છે. એક અંદાજ મુજબ કંપની નફો કરતી થાય તે પહેલા તેને 143 અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડી શકે છે. ખાસ કરીને કંપનીના નવા વીડિયો જનરેશન ટૂલ 'સોરા' (Sora) ને ચલાવવાનો દૈનિક ખર્ચ અંદાજે 1.5 કરોડ ડોલર છે, જે કંપનીની આર્થિક સ્થિતિ પર મોટું ભારણ છે.
એક્સ (X) પર કરાયેલા એનાલિસિસ મુજબ, ટેક જગતની આ દિગ્ગજ કંપની હાલમાં સર્વાઇવલ મોડમાં હોય તેવું લાગે છે. ઓપનએઆઈ પાસે અત્યારે વિશાળ વેલ્યુએશન તો છે, પરંતુ રોકડ પ્રવાહ અને પ્રોફિટેબિલિટી વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જો આગામી સમયમાં કંપની પોતાની ખર્ચ કરવાની પદ્ધતિમાં સુધારો નહીં લાવે અથવા યુઝર્સને ફરી આકર્ષવામાં નિષ્ફળ રહેશે, તો એઆઈ માર્કેટમાં ગૂગલ અને અન્ય હરીફો બાજી મારી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.