સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને વહીવટીતંત્રની કાઢી ઝાટકણી
નવી દિલ્હી: પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર સ્નાન સમયે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સંગમ જતા રોકવા અને તેમના શિષ્યો સાથે થયેલી કથિત મારપીટનો મામલો હવે ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં ધરણા પર બેઠેલા શંકરાચાર્યને ભાજપનાં ફાયર બ્રાન્ડ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીનું સમર્થન મળ્યું છે. ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પ્રયાગરાજ વહીવટી તંત્રને તેની મર્યાદા યાદ અપાવી છે, જેનાથી ઉત્તર પ્રદેશના રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે.
ઉમા ભારતીએ શંકરાચાર્યની ઓળખ પર સવાલ ઉઠાવવા બદલ પ્રશાસનની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે, આ પગલું ધાર્મિક અને વહીવટી મર્યાદાઓની વિરુદ્ધ છે. તેમણે લખ્યું છે કે, મને વિશ્વાસ છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે કોઈ સકારાત્મક ઉકેલ આવી જશે. પરંતુ વહીવટી અધિકારીઓ દ્વારા શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવા એ પ્રશાસને પોતાની મર્યાદાઓ અને અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. શંકરાચાર્ય હોવાની માન્યતા આપવાનો અધિકાર માત્ર શંકરાચાર્યો અને વિદ્વાન પરિષદનો છે, પ્રશાસનનો નહીં.
પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મૌની અમાસના દિવસથી જ પોતાના શિબિરની બહાર ધરણા પર બેઠા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે જે અધિકારીઓએ તેમના શિષ્યો સાથે ગેરવર્તન કર્યું અને તેમને સંગમ સ્નાન માટે જતા રોક્યા, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકાર આ મામલે માફી માંગે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશોનો હવાલો આપીને શંકરાચાર્ય પદના ઉપયોગ સામે નોટિસ પાઠવવામાં આવી હતી, જેણે આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
આ સ્થિતિમાં ઉમા ભારતીનું નિવેદન યોગી સરકાર માટે એક મોટી પડકારજનક સ્થિતિ સાબિત થઈ શકે છે. એક તરફ સરકાર કુંભ અને માઘ મેળાની વ્યવસ્થાઓનો શ્રેય લઈ રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના જ વરિષ્ઠ નેતા દ્વારા સંતોના અપમાન બદલ પ્રશાસનને ઘેરવામાં આવતા મામલો ગંભીર બન્યો છે. કોંગ્રેસ અને આપ જેવા વિરોધ પક્ષે આ મુદ્દે ભાજપને ભીંસમાં લીધી છે.