Tue Jan 27 2026

Logo

White Logo

બાળાસાહેબ ઠાકરેએ બોફોર્સ કૌભાંડમાંથી અમિતાભને કેવી રીતે ઉગાર્યો? રાજ ઠાકરેએ જણાવ્યો અજાણ્યો કિસ્સો

4 days ago
Author: Himanshu Chavada
Video

 

મુંબઈ: આજે શિવસેનાના જનક બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ છે. તેઓ એક પ્રખર રાજનેતા હતા. તેઓ રાજકારણના એવા દાવપેચ જાણતા હતા કે દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ પણ તેમની મદદ માંગતા હતા. આજે બાળાસાહેબ ઠાકરેનો અમિતાભ બચ્ચન સાથેના એક કિસ્સાની વાત કરવી છે. બાળાસાહેબ ઠાકરેએ અમિતાભ બચ્ચનને બોફોર્સે કૌભાંડમાંથી ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેનાથી ઘણા લોકો અજાણ છે.

બાળાસાહેબ ઠાકરેએ અમિતાભ બચ્ચનને પૂછ્યો સવાલ 

રાજ ઠાકરેએ 'સામના' અખબારમાં એક લેખ લખ્યો છે. જેમાં બાળાસાહેબ ઠાકરેનો અમિતાભ બચ્ચન સાથેના એક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે દેશના રાજકારણમાં બોફોર્સ કૌભાંડનો વંટોળ ફૂંકાયો હતો, ત્યારે માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ સિનેમા જગતના દિગ્ગજો પણ તેની ઝપેટમાં આવ્યા હતા. રાજ ઠાકરેએ તેમના લેખમાં જણાવ્યું છે કે, એ કપરા સમયમાં કેવી રીતે બાળાસાહેબ ઠાકરે અમિતાભ બચ્ચન માટે સંકટમોચક સાબિત થયા હતા.

બોફોર્સ કૌભાંડમાં નામ ઉછળ્યા બાદ અમિતાભ બચ્ચન ભારે માનસિક તણાવમાં હતા. ચારેતરફથી થતી ટીકાઓ વચ્ચે તેઓ એક દિવસ પોતાના ભાઈ અજિતાભ બચ્ચન સાથે 'માતોશ્રી' ખાતે બાળાસાહેબ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. અમિતાભ તે સમયે ખૂબ જ ચિંતિત હતા. બાળાસાહેબે તેમને સામસામે બેસાડીને સીધો જ સવાલ કર્યો, "શું તમે ખરેખર નિર્દોષ છો?"

બાળાસાહેબ ઠાકરેના સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને કહ્યું કે, "હું મારા પિતા હરિવંશરાય બચ્ચનના સોગંદ ખાઈને કહું છું કે આ કૌભાંડ સાથે મારે કોઈ લેવાદેવા નથી."  બાળાસાહેબે પોતાના સવાલથી સત્યને પારખી લીધું. તેમને અમિતાભ બચ્ચની નિર્દોષતા પર વિશ્વાસ બેઠો. તેઓ જાણતા હતા કે આ કાનૂની અને રાજકીય લડાઈ કેવી રીતે લડવી.

બાળાસાહેબે PMને પત્ર લખવાનું આપ્યું સૂચન

બાળાસાહેબ ઠાકરેએ અમિતાભ બચ્ચને તત્કાલીન વડાપ્રધાન વી.પી. સિંહને પત્ર લખવા સૂચવ્યું એટલું જ નહીં, પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા બાળાસાહેબે પોતે જ એ પત્રનો ડ્રાફ્ટ તૈયાર કરી આપ્યો. તેમણે પત્રમાં કયા શબ્દો અને કેવા પ્રકારના તર્ક વાપરવા જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું. આ પત્ર વડાપ્રધાનને મોકલ્યા બાદ ધીમે-ધીમે અમિતાભ બચ્ચન વિરુદ્ધનું વાતાવરણ શાંત પડ્યું અને મીડિયાનો આક્રોશ પણ ઓછો થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કેડીએમસીમાં મનસેએ એકનાથ શિંદે જૂથની શિવસેનાને સમર્થન આપ્યું છે. જેને લઈને ઉદ્ધવ ઠાકરે નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં મનસે અને શિવસેના (UBT) વચ્ચે તણાવ વધ્યો છે. જોકે, આવા સમયે રાજ ઠાકરે દ્વારા લખાયેલો આ લેખ માત્ર જૂની યાદો જ નહીં, પરંતુ બાળાસાહેબની નિર્ણાયક શક્તિ અને નેતૃત્વના ગુણોની યાદ અપાવીને વર્તમાન રાજકારણને એક પરોક્ષ સંદેશ હોવાનું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.