Tue Jan 27 2026

Logo

White Logo

મુંબઈ સહિત ૨૯ મહાનગરપાલિકાના મેયરપદ માટે આવતીકાલે ડ્રો

6 days ago
Author: Kshitij Nayak
Video

ઓબીસી, એસસી કે ઓપન કેટેગરી? રોટેશનલ પદ્ધતિથી નક્કી થશે મેયરનું ભાવિ? 

મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓના મેયર પદ માટે અનામત નક્કી કરવા માટે આવતીકાલે મંત્રાલયમાં ડ્રો કાઢવામાં આવશે. નગર વિકાસ રાજ્ય પ્રધાન માધુરી મિસાલના અધ્યક્ષતામાં આ ડ્રો કાઢવામાં આવશે. મેયર પદ માટે અનામત નિશ્ચિત થયા બાદ વિવિધ મહાનગરપાલિકાઓમાં મેયર ચૂંટવાની પ્રક્રિયા પણ શરૂ થશે અને સત્તા સ્થાપવાની ગતિવિધિઓ તેજ બનશે. 

આ ડ્રો કોર્પોરેટરોના વોર્ડ અનામત મુજબ નવેસરથી કાઢવાને બદલે રોટેશનલ પદ્ધતિથી કાઢવામાં આવે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે. જો રોટેશનલ પદ્ધતિથી અનામતનો ડ્રો કાઢવામાં આવશે, તો ઓપન કેટેગરી સિવાય બાકીની અન્ય કેટેગરીમાંથી અનામત મળવાની શક્યતા છે. અગાઉના મેયરનું પદ જનરલ કેટેગરી માટે અનામત હતું, તેથી આ રોટેશનલ પધ્ધતિમાં સેડ્યુલ કાસ્ટ (એસસી) અથવા ઓબીસીને અનામત મળે એવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મેયર કોણ બનશે તે અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે કઈ અનામત શ્રેણીમાંથી વ્યક્તિ મેયર બની શકે છે. તે મુજબ, આ અનામત  માટે ૨૨ જાન્યુઆરીના ડ્રો કરવામાં આવશે. આ અનામત શરૂઆતથી નહીં, પરંતુ અગાઉના અનામતને ધ્યાનમાં રાખીને રોટેશનલ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

રોટેશનલ પદ્ધિત એટલે જો અગાઉના મેયર જનરલ કેટેગરીના હોય, તો આગામી ડ્રોમાં આ કેટેગરીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તે સિવાયની અન્ય શ્રેણીઓ માટે ડ્રો  કાઢવામાં આવે છે. તેના કારણે અનામત રોટેશનલ પદ્ધતિથી ફરતું રહે છે અને વિવિધ વર્ગોને તક મળે છે. આ ડ્રો રાજ્યના ૨૯ મહાનગરપાલિકા માટે સંયુક્ત રીતે સવારે ૧૧ વાગે મંત્રાલય ખાતે યોજાશે ત્યાર બાદ મેયરની પસંદગીની પ્રક્રિયા આગળ વધશે.

મુંબઈમાં મેયર પદ માટે 114નો જાદુઈ આંકડો પાર કરવાની જરૂર નથી

મુંબઈ મહાનગરપાલિકામાં મહાયુતિના મેયરની સ્થાપના થશે તે લગભગ નિશ્ચિત છે. જોકે, શિંદે સેનાના મેયરની સ્થાપના થશે કે નહીં તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એવી ચર્ચા છે કે મેયર પદ મેળવવા માટે પણ બહુમતીનો જાદુઈ આંકડો પાર કરવો પડે છે, પરંતુ આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકાના કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ૮૯, શિંદે સેનાને ૨૯, ઠાકરે સેનાને ૬૫, મનસેને સાત, કોંગ્રેસને ૨૪, એમઆઇએમને આઠ, અજિત પવારની એનસીપીને ત્રણ, સમાજવાદી પાર્ટીને બે અને શરદ પવારની એનસીપીને એક બેઠક મળી છે. 

કોર્પોરેટરની સંખ્યાની દ્રષ્ટિએ ભાજપ આગળ છે, તેથી ભાજપ અને શિંદે સેના ગઠબંધનની સંખ્યા ૧૧૮ છે અને ઠાકરે સેના-મનસે ગઠબંધનની સંખ્યા ૭૧ છે. એટલે કે, ગઠબંધન ૧૧૪ ના જાદુઈ આંકડા સુધી પહોંચી ગયું છે. તેથી, તેઓ સરળતાથી મેયર પદનો દાવો કરી શકશે. જોકે, મ્યુનિસિપલ એક્ટ અલગ કહે છે. 

ગલગલીએ આ બાબતે જણાવ્યું હતું કે, "૨૨૭ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે, તેથી ૧૧૪ એ મેજિક આંકડો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ, મહાનગરપાલિકાના અધિનિયમોનો અભ્યાસ કરીએ તો હાલમાં આવી કોઈ નિયમની જોગવાઈ નથી. મેયર પદ માટે જેને સૌથી વધુ મત મળશે તે મેયર તરીકે ચૂંટાશે. અરજી દાખલ કર્યા પછી પ્રત્યક્ષ મતદાન અથવા ગુપ્ત મતદાન થશે, જેમાં જે પક્ષને સૌથી વધુ મત મળશે તે જીતશે.