નવી દિલ્હી: પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ મેળા 2025માં જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ ધારણ કર્યો હતો. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણની દીક્ષાની સાથોસાથ માઇ મમતા નંદ ગીરી તરીકેનું નવું નામ આપ્યું હતું. જોકે, મમતા કુલકર્ણીને સંન્યાસ માફક આવ્યો હોય, એવું લાગી રહ્યું નથી. કારણ કે, એક જ વર્ષમાં કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને બહારનો રસ્તો બતાવી દીધો છે.
મમતા કુલકર્ણી થઈ અખાડાથી બહાર
માઘ મેળામાં શંકરારાયાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો વિવાદ ચાલી રહ્યો છે. એવા સમયે કિન્નર અખાડાની સાધ્વી માઇ મમતા નંદ ગીરી ઉર્ફે મમતા કુલકર્ણીએ એક નિવેદન આપ્યું હતું. જે મહામંડલેશ્વર અને શંકરાચાર્ય વિરોધી છે. આ નિવેદનને લઈને કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને બહારનો રસ્તો બતાવ્યો છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને બહાર કરવા વિશેની માહિતી આપી છે.
મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મીડિયાને જણાવ્યું કે, "કિન્નર અખાડા સાથે હવે મમતા કુલકર્ણીનો કોઈ સંબંધ નથી. તે હવે અખાડાની સભ્ય નથી. પદાધિકારીઓ સાથે બેઠક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અખાડામાં મહિલાઓ પણ છે, પુરુષો પણ છે અને કિન્નર પણ છે. અમે કોઈ પ્રકારનો વિવાદ ઇચ્છતા નથી. મૌની અમાવસ્યાના દિવસે બટુકો સાથે થયેલી હિંસાથી અમે પણ નારાજ છીએ.
મમતા કુલકર્ણીએ શંકરાચાર્ય વિશે શું કહ્યું?
મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે દસ પૈકીના નવ મહામંડલેશ્વર અને તથાકથિત શંકરાયાર્ચ જૂઠ્ઠા છે. તેઓનું જ્ઞાન શૂન્ય છે. હું ઘણી કઠોર છું. મને આ બધાથી મુક્ત થવું છે. તમે શંકરાયાર્યને જુઓ, તેમનો માટે અહંકાર સૌથી પહેલા છે. અહંકારનો ત્યાગ કરવો જોઈએ. તેમને શું લાગે છે કે, બીજેપી અયોધ્યામાં નથી આવી. તેમને એવું લાગે છે કે બીજેપી ત્યાં એટલે નથી આવી કેમકે તેમણે કશું કહ્યું હતું. એવું કશું નથી. એ તેમની ભૂલ છે."