Tue Jan 27 2026

Logo

White Logo

અંદાજપત્ર પૂર્વે કૃષિ ક્ષેત્રની વેરામાં રાહતની, બાયોફ્યુઅલ અને માળખાકીય પ્રોત્સાહનોની માગ

5 days ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ દેશનું કૃષિ ક્ષેત્ર આબોહવામાં પરિવર્તનના દબાણનો સામનો કરી રહ્યું છે અને સરકાર ગ્રામીણ આવકમાં વધારો કરવાનું લક્ષ્ય રાખી રહી હોવાથી દેશનાં કૃષિ અને કૃષિ સંલગ્નિત ઉદ્યોગનાં પ્રતિનિધિઓએ આગામી નાણાકીય વર્ષ 2026-27નાં અંદાજપત્રની રજૂઆત પૂર્વે વેરામાં ઘટાડા, બાયોફ્યુઅલ માટે ભંડોળ વધારવા અને ખેડૂતો માટે મજબૂત સમર્થનનો અનુરોધ કર્યો છે. 

ભારત વર્ષ 2030 માટેનાં તેના કૃષિ લક્ષ્યાંકોનાં કેન્દ્રની નજીક પહોંચી રહ્યું છે અને વિકસિત ભારત 2047નાં વિઝનનો પાયો નાખે છે તેવા નિર્ણાયક તબક્કે કૃષિ ક્ષેત્ર તરફથી આ અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતીય કૃષિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વૃદ્ધિ એન્જિન તરીકે સ્થાન આપવા માટે નવીનતા, માળખાગત સુવિધાઓ અને બજાર સુધારાઓમાં સતત રોકાણની આવશ્યકતા પર તમામ કૃષિ ક્ષેત્રના હિસ્સેધારકોએ ભાર મૂક્યો હતો. 

ખાંડ ક્ષેત્રમાં સુધારાઃ ખાંડ ક્ષેત્રના અગ્રણી સંગઠન ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (આઈસ્ટા)એ નાણાં પ્રધાન નિર્મલા સિતારમણને સસ્ટેઈનેબલ એવિએશન ફ્યુઅલ (એસએએફ) અને ગ્રીન હાઈડ્રોજન સહિતનાં એડવાન્સ બાયોફ્યુઅલ માટે રૂ. 2500 કરોડનાં ભંડોળની અને આર્થિક રીતે નબળી પડેલી ખાંડ મિલોને ઉગારીને બાયો એનર્જી હબ બનાવવા માટે રૂ. 25 અબજનાં ભંડોળનો અનુરોધ કર્યો છે. 

ભારત અગાઉથી જ વનસ્પતિ તેલની આયાત કરે છે અને આલ્કોહોલ ટુ જેટ ટેક્નોલૉજીમાં ઈથેનોલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, એમ આઈસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે એક કિલોગ્રામ હાઈડ્રોજનનું ઉત્પાદન 70 યુનિટ વીજ ખર્ચ કરે છે. આથી જો હાઈડ્રોજન ઉત્પાદન માટે ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવે તો માળખાકીય લાભ થશે. દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પંજાબની સહકારી મિલોમાં ડિસ્ટિલિયરીનો અભાવ છે અને ખેડૂતોને શેરડીની ખરીદી પેટેની ચુકવણી, વેતન અને પગાર સહિત નાણાકીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા તેઓ ખાંડ અને મોલાસીસના વેચાણ પર દારોમદાર રાખે છે. ઈથેનોલના ઉત્પાદન માટે ડિસ્ટિલેશન ક્ષમતા સ્થાપિત કરવા તેઓને નાણાકીય સહાયની આવશ્યકતા છે અને તે મૂલ્ય વર્ધન પણ છે. તેનાથી શેરડીના ખેડૂતોને નફાકારક ભાવ ચુકવવાની તેની ક્ષમતામાં પણ વધારો થશે, એમ એસોસિયેશને ઉમેર્યું હતું. 

વધુમાં એસોસિયેશને ફ્લેક્સ ફ્યુઅલ પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવા અને હાઈબ્રિડ વેહિકલ્સ પરનાં જીએસટીના દર જે હાલ 18થી 40 ટકા છે તે ઈલેક્ટ્રિક વાહનોની સમકક્ષ પાંચ ટકા રાખવા, ઈથેનોલનાં પ્રાપ્તિ ભાવમાં લિટરદીઠ રૂ. છથી આઠ નો વધારો કરવાની સાથે ખાંડનાં લઘુતમ વેચાણ ભાવ જે વર્ષ 2019થી કિલોદીઠ રૂ. 31 છે તે વધારીને શેરડીના સામાન્ય વળતરદાયી ભાવ સાથે સંલગ્નિત કરવા અનુરોધ કર્યો છે. 

ફર્ટિલાઈઝર ક્ષેત્રે સુધારાઓઃ સોલ્યુબલ ફર્ટિલાઈઝર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ રાજીવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આગામી અંદાજપત્રમાં અમે નાણાં પ્રધાન પાસેથી ફર્ટિલાઈઝર ક્નટ્રોલ ઓર્ડરમાં થ્રી ડાયમેન્શન (થ્રીડી)રિફોર્મ્સ (સુધારાઓ)ની અપેક્ષા રાખી રહ્યા છીએ જેમાં ડિજિટાઈઝેશન, ડીક્રિમિનલાઈઝેશન અને ડીરેગ્યુલેશનનો સમાવેશ થાય છે. 

વધુમાં તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય અપેક્ષાઓમાં અવશેષમુક્ત, પોષકતત્ત્વેોથી ભરપૂર ખેતીને એક સંકલિત રાષ્ટ્રીય કૃષિ અને આરોગ્ય નીતિ તરીકે પ્રોત્સાહન અપાવું અને સબસિડી ઘટાડાની સાથે સબસિડી વિનાના દ્વાવ્ય, કાર્બનિક, સૂક્ષ્મ પોષકતત્ત્વો અને ઉત્તેજક ખાતરોને વ્યૂહાત્મક સામગ્રી તરીકે માન્યતા આપવાનો સમાવેશ થાય છે. 

વધુમાં મેટિક્સ ફર્ટિલાઈઝર્સ ઍન્ડ કેમિકલ્સનાં નિશાંત કનોડિયાએ જણાવ્યું હતું કે સરકારે આત્મનિર્ભરતા કેળવવા માટે સમયસર ક્ષમતા વિસ્તરણ અને મૈત્રીપૂર્ણ રોકાણલક્ષી નીતિગત સમર્થન આપવાનું જાળવી રાખવું જરૂરી છે.