હૈદરાબાદ : હૈદરાબાદ શહેરના નામપલ્લી વિસ્તારમાં આવેલી ચાર માળની ફર્નિચરની દુકાનમાં મોટી હોનારત સર્જાઈ છે. ફર્નિચરની દુકાનમાં આગ લાગતા પાંચ લોકો ના મોત થયા છે. આગ એટલી ભીષણ હતી કે રાત્રે પણ બચાવ કામગીરી ચાલી હતી. જેની બાદ પાંચેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આ લોકોને ભોંયરામાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગને કારણે આ લોકો બહાર નીકળી શક્યા ન હતા.
ફાયર વિભાગ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમે કામગીરી શરુ કરી હતી
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી અને દુકાનના ભોંયરામાં ફસાયેલા પાંચ લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુકાનમાંથી એક મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને ઉસ્માનિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શનિવારે બપોરે આગ લાગ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ, NDRF અને હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી સહિત અનેક એજન્સીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી.
ભારે ધુમાડાના લીધે બચાવ કામગીરીમાં મુશ્કેલી
આ અંગે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે ધુમાડાના લીધે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ કાબુમાં આવી હોવા છતાં ઇમારતમાંથી નીકળતા ભારે ધુમાડાને કારણે કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. તેમણે કહ્યું કે અંદર ફસાયેલા લોકોમાં એક સુરક્ષા ગાર્ડ અને કર્મચારીઓના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. કર્મચારીઓ માટે દુકાનના ભોંયરામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દુકાન માલિક સામે ફોજદારી કેસ દાખલ કરવાનો નિર્દેશ
આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા, પરિવહન અને હૈદરાબાદ જિલ્લાના પ્રભારી મંત્રી પોન્નમ પ્રભાકરે રવિવારે જણાવ્યું હતું કે સરકાર અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડશે. તેમણે પોલીસ અધિકારીઓને ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દુકાન માલિક સામે ફોજદારી કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.