Tue Jan 27 2026

Logo

White Logo

ડબ્લ્યૂપીએલના બે ટાઇટલ જીતનાર મુંબઈની પરાજયની હૅટ-ટ્રિક

6 days ago
Author: Ajay Motiwala
Video

વડોદરાઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટી-20 લીગની અગાઉની ત્રણમાંથી બે સીઝનમાં ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સના આ વખતની ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ વળતા પાણી છે, કારણકે હરમનપ્રીત કૌરના સુકાનમાં આ ટીમ છમાંથી ચાર મૅચ હારી ચૂકી છે જેમાંથી છેલ્લા લાગલગાટ ત્રણ મુકાબલામાં એનો પરાજય થયો છે. મંગળવારે જેમિમા રૉડ્રિગ્સની કૅપ્ટન્સીમાં દિલ્હી કૅપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને રોચક ટકકરમાં છ બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવી દીધી હતી.

ખુદ કૅપ્ટન જેમિમા (51 અણનમ, 37 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) આ જીતની સૂત્રધાર હતી. દિલ્હીએ 155 રનનો લક્ષ્યાંક 19 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. શેફાલી વર્મા (29 રન) અને વિકેટકીપર લિઝેલ લી (46 રન)ના પણ મહત્ત્વના યોગદાન હતા. હરમનપ્રીતે સાત બોલરને અજમાવી હતી એમ છતાં દિલ્હીની ટીમને વિજયથી વંચિત નહોતી રાખી શકી. જેમિમા (JEMIMAH)ને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ડબ્લ્યૂપીએલમાં મુંબઈ ફરી નબળું

એ પહેલાં, ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ (MI)ની ટીમને પાવરપ્લેમાં રનમશીનને વેગ ન આપી શકવાની ખામી દિલ્હી સામેની મૅચમાં પણ નડી હતી, પરંતુ બ્રિટિશ ખેલાડી નૅટ સિવર-બ્રન્ટ (65 અણનમ, 45 બૉલ, બે સિક્સર, છ ફોર) ફરી એક વાર ટીમની વહારે આવી હતી અને મુંબઈને 5/154નો સન્માનજનક સ્કોર અપાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તેની અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (41 રન, 33 બૉલ, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી. એ અગાઉ, ઓપનિંગમાં સજીવન સજની (નવ રન) અને હૅલી મૅથ્યૂઝ (12 રન) ફરી એક વખત ફ્લૉપ જતાં પાવરપ્લેમાં ટીમની નબળાઈ છતી થઈ ગઈ હતી. દિલ્હી વતી સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

મંધાનાનું બેંગલૂરુ સર્વોચ્ચ સ્થાને

પાંચ ટીમ વચ્ચેની આ ટૂર્નામેન્ટમાં 2024ની વિજેતા રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આ વખતે પહેલી પાંચેય મૅચ જીતી છે અને 10 પૉઇન્ટ સાથે મોખરે છે. મંગળવારની મુંબઈ-દિલ્હી મૅચને અંતે ટૂર્નામેન્ટની બાકીની ચારેય ટીમના ખાતે ચાર-ચાર પૉઇન્ટ હતા.