ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં બે જૂથ વચ્ચે તોડફોડના બનાવ પછી તણાવપૂર્ણ માહોલનું નિર્માણ ઊભું થયું છે. ગુરુવારે બે જૂથ વચ્ચે હિંસા પછી આજે ફરી આ જ મુદ્દે મામલો બિચક્યો છે, જ્યાં પથ્થરમારા પછી દુકાનો અને બસને નિશાન બનાવતા પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. હિંસા મુદ્દે પાંચ આરોપીની ધરપકડ કરવાની સાથે સમગ્ર વિસ્તારની દેખરેખ માટે ડ્રોન અને 300 જવાનને તહેનાત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તરાનામાં બનેલી હિંસક ઘટનામાં અનેક બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેમાં એક ડઝનથી વધુ કારની તોડફોડ કરવામાં આવી છે. બીજી બાજુ બસ સ્ટેન્ડના વિસ્તારમાં કરેલી તોડફોડને કારણે સમગ્ર વિસ્તારમાં સન્નાટો પસરી ગયો છે, જ્યારે બસ સ્ટેન્ડ પાછળની દુકાનમાં આગ લાગી દેવામાં આવી હતી. આ આગ કોણે લગાવી એનું કારણ સ્પષ્ટ થયું નથી. તરાના તાલુકામાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છઠ્ઠા આરોપી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવારે સાંજે બે જૂથ વચ્ચે હિંસક માહોલનું નિર્માણ થયું હતું. તરાનાના રામ મંદિર સામેની સુખલા ગલીમાં બે જૂથ વચ્ચે વિવાદ પછી હિંસા ફેલાઈ હતી. આ હિંસાના માહોલમાં બસ સ્ટેન્ડમાં પાર્ક અગિયાર બસને નિશાન બનાવી હતી. આ ઘટનામાં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યકર સહિત બે જણને ગંભીર ઈજા પહોંચી હતી. તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી હતી.
હિંસા મુદ્દે પોલીસે કહ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદના નગર મંત્રી સોહેલ ઠાકુર મંદિર પાસે ઊભા હતા, ત્યારે ઈશાન મિરજા અને તેના સાથીદાર પહોંચીને સવાલો કર્યા હતા, ત્યાર પછી વિવાદ થયો હતો. વિવાદ વકરતા અમુક લોકોએ સોહેલ ઠાકુર પર હુમલો કર્યો હતો, જેમાં તેના સાથીદાર રજત ઠાકુરને ગંભીર ઈજા પહોંચી હતી.
બે જૂથ વચ્ચે મારપીટ પછી સમગ્ર વિસ્તારમાં તણાવના માહોલનું નિર્માણ થયું હતું. ગઈકાલે સાંજે લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 11 બસને નુકસાન થયું હતું. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હિંસા પછી હિંદુવાદી સંગઠનના કાર્યકર્તા પણ તરાના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડની માગણી કરી હતી.
ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ કહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સોહેલ ઠાકુરની ફરિયાદ મુદ્દે પોલીસે છ લોકો વિરુદ્ધ જીવલેણ હુમલો કરવાનો કેસ નોંધ્યો છે, જેમાં પાંચની ધરપકડ કરી છે, જયારે એક કિશોર વયનો છે. હાલમાં સોહેલ ઠાકુર હોસ્પિટલમાં છે, જેની હાલત સ્થિર છે. સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિના નિયંત્રણ માટે 300 પોલીસના જવાનને તહેનાત કર્યા છે, જ્યારે સંદીગ્ધની ઓળખ માટે ડ્રોન કેમેરા અને સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.