Tue Jan 27 2026

Logo

White Logo

કચ્છ મહાભૂકંપને 25 વર્ષ: સ્મૃતિ-સંઘર્ષ-સમૃદ્ધિની ગાથા

2 days ago
Author: Mumbaisamachar Team
Video

વલો કચ્છ - ગિરિરાજ

26 જાન્યુઆરી 2001, જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે કચ્છની ધરતીએ ભયંકર કંપન અનુભવ્યું. ભુજ, અંજાર, ભચાઉ, રાપર જેવાં શહેરોને ખંડેર બનતા વાર ન લાગી. હજારો જીવ ગયા, લાખો લોકો બેઘર બન્યા. એ દિવસો માત્ર ઈમારતોના ધરાશાયી થવાના નહોતા, પરંતુ માનવીય મનોબળની પણ કસોટીના હતા. 

‘ગ્યાધાર ચ્યાં,
અસી ઈમારત બધબો નેઢું 
સુણી કરે સે ‘તેજ’ 
ખનેર ખલી પ્યા.’

ભૂકંપ પછી જ્યારે શહેરોના રસ્તા પર ફરતા ત્યારે જાણે ખંડેરો જોઈને મૌન હાસ્ય કરતા હોય એમ લાગતું. ક્યારેક તો એ હાસ્ય ભયાનક અટ્ટહાસ્યમાં ફેરવાઈ જતું જાણે કોઈ અદૃશ્ય શક્તિ કહી રહી હોય કે માનવીની અહંકારભરી રચનાઓ અંતે સમય સામે હારી જ જવાની છે. કેટલીય ભવ્ય, આલીશાન અને મજબૂત લાગતી ઇમારતો ક્ષણોમાં ધરાશાયી થઈ ગઈ. જાણે તેમની જન્મકુંડળીમાં જ ખંડેર બનવાનું લખાયેલું હોય.

‘અશ્ક’ બાપાની રચના રજૂ કરવાનું મન થઇ જાય છે, 
ધરા ધુણઈ અજ ડુંગર ડુલ્યા! 
ડુલ મિસીધું, મિન્ધર ડુલ્યા! 
કોટ કિલ્લા નેં ડુલેં ડેલીયું! 
ગામ ગામ નેં નગર ડુલ્યા!
ભજાર ગલીયું ફરિયા કિત વ્યા?
મનખેં જા ઊ મેળા કિત વ્યા?
અખિયેં જેંજી સોંણાં ઊભરેં; 
માસૂમ સુંઅણાં બચડા કિત વ્યા?
મા જે ધિલજી છિલ ઊ કિત વિઇ? 
પે જી હિંયારી ખિલ ઊ કિત વિઇ?
કિત વ્યા પાડોસી લાખેણાં?
ધોસ્ત ઊ કિત વ્યા? સઇયર કિત વિઇ?
પંડિત કિત વ્યા? સંત કિતે વ્યા?
પીર ફકીર મહંત કિતે વ્યા? 
કિત વ્યા પ્રગટબ્રહ્મ? કિતે દેવી? 
કથાકાર ભગવંત કિતે વ્યા? 
માઘ સાઇ બીજ સુક્કર જો ડીં; 
બ હજાર સત્તાવન હો તીન;
પિરભ હો તેની પ્રજાસત્તાકજો 
સુભુ સવારો ધરા ધૂણઈ જીં; 
ડટ્ટણ પટ્ટણ પલમેં થિઇ વ્યો!
કચ્છજો ભાગ પલમેં પલટી વ્યો!
રૂંગેજા ધરિયા અખિયેં વયં!
માધુ જોષી હાય, ગાલ ઇ ચિઇ વ્યો!
માધુ જોષી હાય, ગાલ ઇ ચિઈ વ્યો!

ખુલ્લા આકાશ નીચે જીવતા લોકો માટે પાણી, ખોરાક, દવા અને છાંયડાની શોધ જ દિવસની સૌથી મોટી પ્રવૃત્તિ હતી. શોક, અસમંજસ અને અનિશ્ર્ચિતતાની વચ્ચે જીવવાની તીવ્ર ઈચ્છા ધબકી રહી હતી. આ સંકટની ઘડીએ સમગ્ર દેશ અને દુનિયાએ કચ્છનો હાથ પકડી લીધો. લશ્કર, અર્ધલશ્કરી દળો, રેડક્રોસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સરકારી તંત્ર, સ્વયંસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને ઉદ્યોગ જગત એટલું જ નહીં વિદેશમાંથી પણ સૌએ મળીને બચાવ, સારવાર, પુનર્વસન અને પુનર્નિર્માણની અભૂતપૂર્વ કામગીરી કરી. જેમાં મીડિયાએ દેશભરમાં સહાયની ચેતના જગાવી અને રાહત ફંડ દ્વારા અનેક ગામો ફરી વસાવાયા. આપણું મુંબઈ સમાચાર પણ અગ્રીમ ધોરણે સહાયમાં સક્રિય રહ્યું અને રાહત ભંડોળમાંથી કચ્છ યુવક સંઘ સાથે રહીને કચ્છને બેઠું કરવા સક્ષમ મદદ કરી. (વાચક ગુગલ પર કચ્છ યુવક સંઘની વેબસાઈટ પર તેમની કામગીરીની નોંધ લેતા માહિતી મેળવી શકાશે, આ લેખ માટે તસ્વીર પણ એમના અભાર સાથે અહીં રજૂ કરી છે.)

સરકારે તાત્કાલિક રાહત તરીકે કેશ ડોલ્સ, રહેણાંક સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ પેકેજો જાહેર કર્યા. ઉદ્યોગોને ટેક્સ હોલીડે જેવી સુવિધાઓ મળતાં રોકાણકારો ફરી આગળ આવ્યા. રોજગાર સર્જાયો, માર્ગો, વીજળી, પાણી અને આરોગ્ય સેવાઓ નવી રીતે ઊભી થઈ. 
સમય પસાર થતાં કચ્છ માત્ર ઊભું જ થયું નહીં, પરંતુ તેણે પોતાની નવી ઓળખ ઘડી. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક આજે વિશ્વને સંવેદના, સ્થિરતા અને પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. અંજારનું વીર બાળક સ્મારક બલિદાન અને સાહસની અમર યાદ બની ગયું છે. રણોત્સવે કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાપિત કર્યું. ભૂકંપ વખતે નરેન્દ્રભાઈ મોદીજીની ભાવના હતી કે કચ્છને તેની તાસીર મુજબ ખમીરીથી બેઠું કરી બતાવીશું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાની પ્રથમ દિવાળી કચ્છીઓ સાથે ઉજવી, ધોરડો સફેદ રણને વિશ્વથી પહેચાન કરાવી, મહાનાયક અમિતાભ બચ્ચનને ‘બ્રાંડ એમ્બેસેડર’ બનાવ્યા અને દરેક પ્રવાસીના માનસપટ પર એક વાક્ય છવાયું- ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’, લોકકલા, હસ્તકલા, સંગીત, ભોજન અને મહેમાનગતિથી કચ્છ આજે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. નવા પ્રવાસન સ્થળો વિકસ્યા, સ્થાનિક રોજગારીમાં વધારો થયો અને પરંપરાગત સંસ્કૃતિને નવી ઊર્જા મળી.

ઉદ્યોગ ક્ષેત્રે પણ કચ્છે ઝંપલાવ્યું. બબ્બે મહાબંદરો, પાવર, સોલાર એનર્જી, સિમેન્ટ, ટેક્સટાઈલ, લોજિસ્ટિક્સ જેવાં ક્ષેત્રોમાં મોટાપાયે વિકાસ થયો. ગામડાંઓ સુધી રસ્તા પહોંચ્યા, શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં સુધારો થઇ રહ્યો છે.

કચ્છ ખરેખર ફિનિક્સ પક્ષીની જેમ પોતાની રાખમાંથી ફરી ઊડી ઊઠ્યું વધુ મજબૂત, વધુ આત્મવિશ્વાસી અને વધુ દૃઢ સંકલ્પ સાથે. આજે 25 વર્ષ પછી જ્યારે આપણે પાછળ નજર કરીએ છીએ, ત્યારે માત્ર દુ:ખની યાદ નથી આવતી, પરંતુ માનવતાની મહાનતા, સંકલ્પની શક્તિ અને સહકારની જીત નજરે ચડે છે. ભૂકંપે કચ્છને અનેકવાર હચમચાવ્યું છે પરંતુ તોડી નથી શક્યું, કારણ કે કચ્છ માત્ર જમીન નથી  એ લોકોનું ખમીર છે. આજે પચ્ચીસ વર્ષે ગ્રસ્તોએ ચેતીને ચાલવાની પણ જરૂર છે. તાજેતરમાં કચ્છ ઝોન પાંચમાંથી હવે છમાં આવ્યું છે એટલે કે ભૂકંપની સક્રિયતા અને શક્યતાથી જાગૃત રહેવાની જરૂર! ચેતતો નર સદા સુખી  કચ્છ જાપાની માનસિકતાથી શીખ લે અને ફરી વિપદા આવે તો ઉકરી પાર થાય એવી સજ્જતા દર્શાવે તે ઇચ્છનીય.