ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) કે કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC)ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. ગાંધીનગરના ખાતે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના નવા અત્યાધુનિક કેમ્પસના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૧.૨૫ હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ નવું કેમ્પસ માત્ર અભ્યાસ કેન્દ્ર જ નહીં, પરંતુ UPSC જેવી વહીવટી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટું હબ બનશે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલું સ્પીપાનું હાલનું મુખ્ય મકાન ૧૯૭૨માં બન્યું હોવાથી તે જૂનું થઈ ગયું છે અને ત્યાં જગ્યાની પણ મર્યાદા છે. આ નવી સુવિધાને આધુનિક જરૂરિયાતો મુજબ ડિઝાઈન કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર સેન્ટર, સેમિનાર હોલ અને રહેણાંકની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને કોન્ફરન્સ માટે વૈશ્વિક સ્તરનું માળખું પૂરું પાડવાનો છે.
સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવના જણાવ્યા અનુસાર, આ જમીન માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિઃશુલ્ક ફાળવવામાં આવી છે. સ્પીપાએ આગામી છ મહિનામાં બિલ્ડિંગ પ્લાન સબમિટ કરવાનો રહેશે અને બે વર્ષની અંદર નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. લેકાવાડા શૈક્ષણિક ઝોનમાં સ્થિત હોવાથી આસપાસની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતોનો લાભ પણ તાલીમાર્થીઓને મળી શકશે.
નોંધનીય છે કે ગયા વર્ષે જ ગાંધીનગરમાં GPSCના ઉમેદવારો માટે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવું કેમ્પસ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સ્પીપા અમદાવાદના મુખ્ય કેમ્પસ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા પ્રાદેશિક કેન્દ્રો દ્વારા સરકારી કર્મચારીઓ અને સિવિલ સર્વિસના ઉમેદવારોને તાલીમ આપવાનું કાર્ય કરે છે. નવું કેમ્પસ કાર્યરત થતા ગુજરાત પાસે અન્ય રાજ્યોની સરખામણીએ એક ભવ્ય અને આધુનિક વહીવટી તાલીમ સંસ્થાન હશે.