નાગૌર: આજે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રવિવારે રાજસ્થાનના નાગૌરમાં મોટી માત્રમાં વિસ્ફોટકો પકડાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે 9,550 કિલો એમોનિયમ નાઈટ્રેટ સાથે 58 વર્ષીય શખ્સની તેના ઘરમાંથી ધરપકડ કરી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ,"આંતરિક ઈનપુટને આધારે નાગૌર પોલીસની એક સ્પેશીયલ ટીમે રવિવારે થાનવલા વિસ્તારમાંથી આરોપી સુલેમાન ખાનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં, દરોડા દમિયાન મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા."
ષડ્યંત્રની શંકા:
પોલીસ અધિકારીને આપેલી માહિતી મુજબ, આરોપીએ તેના ખેતરમાં 187 કાર્ટુનમાં 9,550 કિલોગ્રામ વિસ્ફોટકો છુપાવી રાખ્યું હતું. આ સાથે નવ કાર્ટૂન ડેટોનેટર, બ્લુ વીકવાયરના 15 બંડલ,રેડ વીકવાયરના નવ બંડલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ખાણ માલિકોને વિસ્ફોટકો સપ્લાય કરે છે. પરંતુ આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો પકડાતા, કોઈ મોટા કાવતરાની શંકા છે.
નોંધનીય છે કે નવેમ્બર 2025 માં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2 ડિસેમ્બરના રોજ નાથદ્વારા શ્રીનાથજીમાં ગેરકાયદેસર વિસ્ફોટકોથી ભરેલી એક પિકઅપ ટ્રક જપ્ત કરવામાં આવી હતી.
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે:
આરોપી સુલેમાન સામે ભારતીય ન્યાય સંહિતા અને વિસ્ફોટકો અધિનિયમ, 1884 ની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સુલેમાન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ પાદુકલ્લન અને અલવરના ચૌપસ્નીમાં પણ ત્રણ કેસ નોંધાયેલા છે. આ ત્રણેય કેસ વિસ્ફોટક કાયદા હેઠળ છે. પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓનો પણ સંપર્ક કર્યો છે.