નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ધાર શહેરમાં ઐતિહાસિક ભોજશાળા આવેલી છે. જ્યાં મુસ્લિમ સમુદાય દ્વારા દર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવામાં આવે છે. આ સિવાય વસંત પંચમી જેવા દિવસ નિમિત્તે હિંદુઓ પણ અહીં ભેગા થઈને સરસ્વતી પૂજા કરતા હોય છે. પરંતુ આ વર્ષે વસંત પંચમી શુક્રવારના દિવસે આવી રહી છે. જેને લઈને મામલો ગૂંચવાયો હતો. હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ભોજશાળામાં ફક્ત હિંદુઓને સરસ્વતી પૂજા કરવાની મંજૂરી આપવાની અને મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગ કરી હતી. આ અરજીને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.
જુમ્માની નમાઝનો સમય બદલી શકાય તેમ નથી
ધાર શહેરમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સરસ્વતી પૂજા અને નમાઝ પઢવાની બાબતે અવારનવાર વિવાદમાં આવતી રહી છે. જેથી વિવાદ ન સર્જાય તે માટે હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે સુનાવણી કરી હતી.
સરસ્વતી પૂજા માટે શુક્રવારે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગને લઈને સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, બપોરે 1થી 3 વાગ્યાની વચ્ચે નમાઝ પઢવામાં આવશે, ત્યારબાદ ભોજશાળાનું પરિસર ખાલી કરી દેવામાં આવશે. જોકે, હિંદુ પક્ષે સૂચન કરતા જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યા બાદ નમાઝ પઢવામાં આવે. જેથી એકધારી પૂજ ચાલી શકે. હિંદુ પક્ષના આ સૂચનને લઈને મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, અન્ય નમાઝોનો સમય બદલી શકાય તેમ છે, પરંતુ જુમ્માની નમાઝનો સમય બદલી શકાય તેમ નથી.
અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ
વકીલ સલમાન ખુર્શીદે ઉમેર્યુ હતુ કે, અગાઉ ત્રણ વખત વસંત પંચમી શુક્રવારના દિવસે આવી ચૂકી છે. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હિંદુ પક્ષને ત્રણ કલાક પૂજા કરવાની મંજૂરી આપી છે. આનું પુનરાવર્તન કરવામાં આવે. જુમ્માની નમાઝ બપોરે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે થાય છે. અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ. અમે મીનીમમ સમયની માંગણી કરી રહ્યા છીએ અને રાજીખુશીથી સહકાર આપવા માટે તૈયાર છીએ. પૂજા બહાર પણ ચાલુ રહી શકે છે."
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બંને પક્ષો અનુસરી શકે તેવો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વસંત પંચમીના દિવસે હિંદુ પક્ષને ભોજશાળામાં 12 વાગ્યા સુધી પૂજા કરવા કહ્યું છે. ત્યારબાદ મુસ્લિમ પક્ષ નમાઝ પઢશે. નમાઝ પૂરી થયા બાદ 4 વાગ્યાથી હિંદુ પક્ષ ફરીથી પૂજા શરૂ કરી શકશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ખાતરી આપી છે કે, સુપ્રીમ કોર્ટના આ આદેશના પાલન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.