Tue Jan 27 2026

Logo

White Logo

શેરબજારમાં કત્લેઆમ: ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો, નવ લાખ કરોડનું જોરદાર ધોવાણ

1 week ago
Author: Nilesh Waghela
Video

નિલેશ વાઘેલા

મુંબઇ:
 વૈશ્વિક બજારમાં ટ્રમ્પે શરૂ કરેલી નવી ટેરીફ વોરની ચિંતા વચ્ચે વિશ્વબજારની પીછેહઠ સાથે બજારનું સેન્ટિમેન્ટ ખરડાઇ જતાં જોરદાર વેચવાલીના દબાણથી સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાયો હતો, જ્યારે એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂપિયા નવ લાખ કરોડથી મોટું ધોવાણ નોંધાયું હતું. એ જ સાથે નિફ્ટી ૨૫,૨૫૦થી નીચે સરકી ગયો છે.

મંગળવારના સત્રના અંતે, બીએસઇ સેન્સેક્સ ૧૦૬૫.૭ પોઈન્ટ અથવા ૧.૨૮ ટકા ઘટીને ૮૨,૧૮૦.૪૭ પોઇન્ટની સપાટી પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી ૫૦ ૩૫૩ પોઈન્ટ અથવા ૧.૩૮ ઘટીને ૨૫,૨૩૨.૫૦ પર બંધ થયો છે.

બજારના સાધનો અનુસાર મિશ્ર કોર્પોરેટ કમાણી, વિદેશી ભંડોળની સતત વેચવાલી અને વૈશ્વિક વેપાર બાબતની અનિશ્ચિતતા વચ્ચે સેન્ટિમેન્ટ કથળી ગયું હોવાથી સતત બીજી સત્રમાં  પીછેહઠ જોવા મળી હતી. બીએસઇ પર બધી લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ૯.૪૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૫૫.૭ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું.

શેરબજારને ઘટાડા તરફ દોરી જતા છ મુખ્ય પરિબળો આ પ્રમાણે છે:-
 

૧. આઇટી શેરોમાં જોરદાર વેચવાલીના દબાણને કારણે આઇટી ઇન્ડેક્સ ગબડવા પાછળ બેન્ચમાર્કને પણ ધક્કો લાગ્યો

૨. ટ્રમ્પે યુરોપના આઠ દેશ પર નવી ટેરિફ લાદવાની આપેલી ચીમકી સામે યુરોપના વળતાં પ્રહારોની ચિંતાઓ વચ્ચે વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં જોવા મળેલો ગભરાટ અને પીછેહઠ.

૩. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા એકધારી વેચવાલીનું દબાણ.

૪. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાઇ રહેલી અશાંતિ અને ભૂરાજકીય કારણોસર સેફ હેવન એસેટ તરફની દોડ.

૫. ટેકનિકલ ઇન્ડકેટર્સ નિફ્ટી માટે નકારાત્મક દિશા સૂચન કરી રહ્યા હોવાથી રોકાણકારોની વેચવાલીમાં થઇ રહેલો વધારો.

૬. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું સતત અવમૂલ્યન પણ એક મહત્ત્વનું પરિબળ છે.


વેચવાલીનું દબાણ એટલું તીવ્ર અને વ્યાપક રહ્યું હતું કે એક્સચેન્જના તમામ સેકટર નેગેટિવ ઝોનમાં ગબડી ગયા હતા. આ તરફ ભારત વીઆઇએક્સ લગભગ બે મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી નવેમ્બર ૨૦૨૫ પછી પ્રથમ વખત ૨૫,૪૦૦ની નીચે સરક્યો છે. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ આ સત્રમાં જોરદાર વેચવાલી અને ધોવાણ જોવા મળ્યા હતા.