મુંબઈગરાઓ માટે આગામી દિવસો મુશ્કેલ બની શકે છે, કારણ કે શહેરમાં ફરી એકવાર મોટા પાયે પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. 27મી જાન્યુઆરીથી મુંબઈ અને પૂર્વ ઉપનગરો સહિત થાણે અને ભિવંડીના અનેક વિસ્તારોમાં 11 દિવસ માટે 10 ટકા પાણીકાપ મૂકવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા એક જ અઠવાડિયામાં બીજી વખત પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે, જેની અસર શહેરની આશરે 50 ટકા વસ્તી પર જોવા મળશે.
મુંબઈ મહાનગર પાલિકા દ્વારા પીસે ડેમ (Pise Water Dam) ખાતે હાથ ધરવામાં આવનારી મહત્વની કામગિરીને કારણે આવતીકાલથી એટલે કે 27મી જાન્યુઆરીથી 7મી ફેબ્રુઆરી, 2026 સુધી પાણી પુરવઠો ખોરવાશે. આ સમયગાળા દરમિયાન મુંબઈના 12 વોર્ડ તેમજ પડોશી શહેરો થાણે અને ભિવંડીમાં પણ પાણીની અછત વર્તાશે.
પાણીકાપનું મુખ્ય કારણ શું છે?
પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીસે ડેમમાં આવેલી ન્યૂમેટિક ગેટ સિસ્ટમ (Pneumatic Gate System)ના મેન્ટેનન્સ અને સમારકામની તાતી જરૂરિયાત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક આધુનિક વોટર કંટ્રોલ સિસ્ટમ છે જે ડેમમાં પાણીનો પ્રવાહ અને સપાટીને નિયંત્રિત કરે છે. પૂર જેવી પરિસ્થિતિમાં પણ આ સિસ્ટમ પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થાય છે. સ્ટીલ ગેટ પેનલ્સના મેન્ટેનન્સથી પાણીનો બગાડ અટકાવી શકાય છે અને ભવિષ્યમાં કોઈ મોટી ખામી સર્જાતી રોકી શકાય છે.
મુંબઈના કયા વિસ્તારો પ્રભાવિત થશે?
મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગરોના 12 વોર્ડમાં 10 ટકાનો પાણીકાપ મૂકવામાં આવશે. મુખ્ય વિસ્તારો નીચે મુજબ છે-
દક્ષિણ અને મધ્ય મુંબઈના આ વિસ્તારો રહેશે પાણીકાપ
1. A વોર્ડ: નેવલ ડોકયાર્ડ વિસ્તાર
2. B વોર્ડ: મોહમ્મદ અલી રોડ, ડોંગરી
3. C વોર્ડ: ભીંડી બજાર, બોહરી મોહલ્લા, ઘોગરી મોહલ્લા
4. E વોર્ડ: ભાયખલા, મદનપુરા, આગ્રીપાડા, ચિંચપોકલી, રે રોડ, ડોક્યાર્ડ રોડ
5. F સાઉથ વોર્ડ: પરેલ, લાલબાગ, હિંદમાતા
6. F નોર્થ વોર્ડ: માટુંગા, સાયન, વડાલા, હિંદુ કોલોની
પૂર્વ ઉપનગરોના આ વોર્ડમાં રહેશે પાણીકાપ?
1. T વોર્ડ: મુલુંડ (પૂર્વ અને પશ્ચિમ)
2. S વોર્ડ: ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ અને વિક્રોલી (પૂર્વ)
3. N વોર્ડ: ઘાટકોપર (પૂર્વ અને પશ્ચિમ), વિક્રોલી
4. L વોર્ડ: કુર્લા (પૂર્વ)
5. M ઈસ્ટ: માનખુર્દ, અનુશક્તિ નગર, દેવનાર
6. M વેસ્ટ: ચેમ્બુર, સિંધી કોલોની, ટિળક નગર, છેડા નગર
થાણે અને ભિવંડીમાં પણ જોવા મળશે અસર
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે અને ભિવંડીને પણ પાણી પૂરવઠો કરવામાં આવે છે. આ સમારકામને કારણે ઠાણેમાં પાણીનો પુરવઠો 20 ટકા સુધી ઓછો થવાની શક્યતા છે, જેના કારણે ત્યાંના રહીશોને પણ આગામી 12 દિવસ સુધી ઓછા દબાણથી પાણી મળશે.
પાલિકાએ કરી નાગરિકોને અપીલ
પાલિકાએ જણાવ્યું છે કે સમારકામ દરમિયાન પાણીનો બગાડ અટકાવવા માટે પુરવઠો તબક્કાવાર શરૂ કરવામાં આવશે, જેથી પ્રેશર ઓછું રહી શકે છે. નાગરિકોને આ 11 દિવસ દરમિયાન પાણીનો અત્યંત કરકસરપૂર્વક અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.