મુંબઈ: સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ 'બોર્ડર 2'એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 1997ની આઇકોનિક ફિલ્મની આ સિક્વલ પ્રત્યે લોકોમાં એટલો ક્રેઝ હતો કે તેને વિશ્વભરમાં 4,500 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મનો પહેલા શોના આયોજનમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ આવી હતી. તેમ છતાં આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ ઇતિહાસ રચી દીધો છે.

'બોર્ડર 2'એ તોડ્યો 'ધુરંધર'નો રેકોર્ડ
SACNILC ના આંકડા અનુસાર, 'બોર્ડર 2'એ પહેલા જ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. આ કમાણી સાથે તેણે તાજેતરની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની વાત કરીએ તો 2023માં આવેલી 'ડંકી' ફિલ્મે 29 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી અને અત્યારસુધી થિએટર્સમાં ચાલી રહેલી 'ધુરંધર' ફિલ્મે 28 કરોડની કમાણી કરી હતી.

જોકે, છેલ્લા દોઢ મહિનાથી બોક્સ ઓફિસ પર ટંકશાળ સાબિત થયેલી રણવીર સિંહની 'ધુરંધર' ફિલ્મે છ અઠવાડિયા સુધી મજબૂત પકડ બનાવી રાખી હતી. પરંતુ પરંતુ સાતમા અઠવાડિયામાં 'બોર્ડર 2'ની રિલીઝ થતા જ 'ધુરંધર'ની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
'બોર્ડર 2' લાંબી રેસનો ઘોડો બનશે?
ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે 'બોર્ડર 2' માટે આગામી સમય સુવર્ણ સાબિત થશે. પ્રજાસત્તાક દિવસ નજીક હોવાથી અને લોન્ગ વીકેન્ડનો લાભ મળવાને કારણે ફિલ્મની કમાણીમાં જંગી ઉછાળો આવી શકે છે. એડવાન્સ બુકિંગના આંકડા સૂચવે છે કે હિન્દી 2D વર્ઝન સૌથી વધુ જોવામાં આવી રહ્યું છે. જોકે, ફિલ્મની લાંબી રેસનો આધાર પ્રેક્ષકોના રિવ્યૂ પર રહેશે. સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' અને 'વૉર 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવવા માટે "બોર્ડર 2" એ આગામી સપ્તાહમાં પણ પોતાની ગતિ જાળવી રાખવી પડશે.