અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ 131 મહાનુભાવોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી નવાજવામાં આવશે. ગૌરવની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતના પાંચ દિગ્ગજ વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. સાહિત્ય, અભિનય, લોકકલા અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પાયાનું પ્રદાન કરનારા આ મહાનુભાવોને 'પદ્મ શ્રી' એવોર્ડ એનાયત કરીને રાષ્ટ્ર દ્વારા તેમના વર્ષોના પુરુષાર્થને બિરદાવવામાં આવ્યો છે.
હાસ્ય સાહિત્યના સમ્રાટ રતિલાલ બોરીસાગરનું સન્માન
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા લેખક રતિલાલ બોરીસાગરને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ શ્રી એનાયત થયો છે. 17થી વધુ પુસ્તકો, લોકપ્રિય કૉલમ્સ અને બાળકો માટેના વિશેષ સાહિત્ય દ્વારા તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. સાવરકુંડલામાં જન્મેલા રતિલાલભાઈએ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની સેવાઓ આપી છે. તેમના હાસ્ય નિબંધો અને નવલકથાઓ આજે પણ વાચકોના હૈયે વસેલી છે, જેના સન્માન રૂપે આ સર્વોચ્ચ એવોર્ડ જાહેર થયો છે.

થિયેટર અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા અરવિંદ વૈદ્ય સન્માનિત
ગુજરાતી અને હિન્દી મનોરંજન જગતનો જાણીતો ચહેરો એવા અરવિંદ વૈદ્યને કલા ક્ષેત્રે પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા છે. 200થી વધુ નાટકોના દિગ્દર્શન અને અસંખ્ય નાટકોમાં અભિનય દ્વારા તેમણે ગુજરાતી રંગભૂમિને જીવંત રાખી છે. ખાસ કરીને 'અનુપમા' જેવી હિન્દી સિરિયલો દ્વારા ઘર-ઘરમાં જાણીતા બનેલા અરવિંદભાઈએ થિયેટરને માત્ર મનોરંજન જ નહીં, પણ સત્યની શક્તિ આપવાનું કાર્ય કર્યું છે. તેમની આટલી લાંબી અને પ્રભાવશાળી કલાયાત્રાની આજે દેશ સ્તરે નોંધ લેવાઈ છે.
અંગદાનના પ્રણેતા અને સેવામૂર્તિ નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા
સુરતમાં 'ડોનેટ લાઈફ' સંસ્થા દ્વારા અંગદાનની જ્યોત પ્રગટાવનાર નિલેશ માંડલેવાલાને સામાજિક કાર્ય બદલ પદ્મ શ્રી આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેમની ભૂમિકા પાયાની રહી છે. તેમના પ્રયાસોથી 1300 થી વધુ અંગદાન શક્ય બન્યા છે, જેનાથી સેંકડો લોકોને નવજીવન મળ્યું છે. લિવર, હૃદય, ફેફસાં જેવા જટિલ અંગોના દાન માટે જાગૃતિ લાવીને તેમણે જે રીતે 100થી વધુ હોસ્પિટલોનું નેટવર્ક ઊભું કર્યું છે, તે ખરેખર વંદનીય છે.
માણભટ્ટ અને આખ્યાન પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યા
ગુજરાતની પ્રાચીન કલા 'આખ્યાન' અને 'માણભટ્ટ' પરંપરાને વૈશ્વિક સ્તરે ગુંજતી રાખનાર ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને કલા ક્ષેત્રે પદ્મ શ્રી સન્માન મળ્યું છે. છેલ્લા 75 વર્ષથી આ પરંપરા સાથે જોડાયેલા પંડ્યાજીએ 3000થી વધુ કાર્યક્રમો પ્રસ્તુત કરીને નવી પેઢીને સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરી છે. તેમણે એક એકેડેમીની સ્થાપના કરીને યુવાનોને તાલીમ આપી આ લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરી છે, જે માટે ભારત સરકાર દ્વારા તેમનું ગૌરવ કરવામાં આવ્યું છે.
જૂનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ
જૂનાગઢના વતની અને 'હાજી રમકડું' તરીકે જાણીતા મીર હાજીભાઈ કાસમભાઈને સંગીત અને કલા ક્ષેત્રે પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે. ઢોલક વગાડવાની તેમની અનોખી શૈલી સંતવાણી, ગઝલ, કવ્વાલી અને ભજનના કાર્યક્રમોમાં જીવ ફૂંકી દે છે. અનેક દિગ્ગજ કલાકારો સાથે સંગત કરનાર હાજીભાઈએ ઢોલક વાદનમાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે. સૌરાષ્ટ્રની આ ધરતીના કલાકારને રાષ્ટ્રીય સન્માન મળતા લોકસંગીત પ્રેમીઓમાં આનંદ વ્યાપી ગયો છે.