અમદાવાદઃ ભારતીયો-ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા ઘણી જાણીતી છે. આ માટે તેણો ઘણી વખત ગેરકાયદેસર પ્રવેશતા હોય છે, ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે કેટલાક લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે ઝડપાતા હોય છે. વર્ષ 2025માં દર 20 મિનિટે એક ભારતીય અમેરિકાની સરહદ પરથી ઘૂસણખોરી કરતા ઝડપાયો હતો. ટ્રમ્પ સરકાર દ્વારા ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેઓ જોખમી માર્ગો દ્વારા અમેરિકન ડ્રીમ પૂરા કરવાની ઘેલછા યથાવત્ છે.
2024ની સરખામણીએ 2025માં ઘટ્યો આંકડો
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 વચ્ચે 23,830 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2024માં પકડાયેલા 85,119 લોકોની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે, તેમ છતાં ભારત હજુ પણ સૌથી વધુ ઘૂસણખોરો મોકલતા ટોચના દેશોમાં સામેલ છે. પકડાયેલા લોકોમાં મોટાભાગના સિંગલ એડલ્ટ હતા.
આ દરમિયાન એજન્સીઓને એક ચિંતાજનક ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. જે મુજબ કોઈની દેખરેખ વગરના બાળકોની સંખ્યા પણ વધારે હતી. જાન્યુઆરી 2022માં ગાંધીનગરના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડા બોર્ડર પર થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા, તે દુર્ઘટનાના ચાર વર્ષ પછી પણ બાળકો હજુ પણ સરહદ પાસે બિનવારસી હાલતમાં મળી રહ્યા છે.
કેમ થયો ઘટાડો
ટ્રમ્પ સરકારની ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીના કારણે લોકોની સંખ્યા તો ઘટી છે, પણ લોકોનો પ્રયાસ કરવાની ઈચ્છા ઘટી નથી. હજારો લોકો માટે અમેરિકા પહોંચવાની આશા હજુ પણ દિવાલો, પેટ્રોલિંગ અને જોખમો કરતા વધુ ભારે પડી રહી છે. યુએસ બોર્ડર અધિકારીઓ આ ઘટાડા પાછળ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળની નીતિઓમાં ફેરફાર, કડક દેખરેખ અને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને જવાબદાર માને છે.
ગુજરાતથી આવતા લોકો પર ખાસ નજર
સૂત્રો મુજબ, આ આંકડા માત્ર ઘટાડો દર્શાવે છે, પરંતુ ઘૂસણખોરી સંપૂર્ણ બંધ થઈ નથી. ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નજર રાખતી ભારતીય એજન્સીઓ, ખાસ કરીને ગુજરાત-પંજાબથી આવતા લોકો પર નજર રાખે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, યુએસની કડક નીતિઓ અને ICE જેવી એજન્સીઓના દરોડાને કારણે મોટો ઘટાડો થયો છે. પરંતુ આંકડા હજુ પણ ચિંતાજનક છે કારણ કે અમેરિકામાં સ્થાયી થવાની મહત્વકાંક્ષા, ખાસ કરીને ગુજરાતીઓમાં, હજુ પણ અકબંધ છે.
કેનેડા સરહદ બની હોટ ફેવરીટ
મેક્સિકો હજુ પણ મુખ્ય માર્ગ છે, પરંતુ 2025માં કેનેડા સરહદ તરફનો મોટો ઝુકાવ જોવા મળ્યો હતો. કેનેડા-યુએસ બોર્ડર પર વધુ ભારતીયો પકડાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, દુબઈ અને ઈસ્તંબુલ જેવા હબ દ્વારા મેક્સિકો અને કેનેડાના રૂટ મુખ્ય ગેરકાયદે માર્ગો હતા. હવે આ માર્ગો પર ખૂબ જ અડચણો છે, છતાં જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માંગે છે તેઓ હજુ પણ નવા અને વધુ જોખમી રસ્તાઓ અજમાવી રહ્યા છે.
ક્યાંથી કેટલા પકડાયા ભારતીયો
કેનેડા-અમેરિકા બોર્ડર: 6968
મેક્સિકો-અમેરિકા બોર્ડર: 1543
અમેરિકાના અન્ય ભાગોઃ 15,319
કુલઃ 23,830