નવી દિલ્હી: સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. સતત નવી ઐતિહાસિક સપાટી સર કરી રહેલી કિંમતી ધાતુઓના ભાવમાં આજે0 અચાનક ગાબડું પડ્યું છે. વૈશ્વિક બજારમાં તણાવ ઓછો થતા રોકાણકારોમાં સોના-ચાંદી પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો છે.
MCX પર ભાવમાં થયેલો ફેરફાર
છેલ્લા કેટલાક દિવસોથી રોકેટ ગતિએ વધી રહેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો છે. 21 જાન્યુઆરી 2026ને બુધવારે ચાંદીનો ભાવ 3,25,602 રૂપિયા હતો. જેમાં આજે 19,849 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 22 જાન્યુઆરીને 2026ને ગુરુવારના રોજ ચાંદીનો ભાવ 3,05,753 રૂપિયા નોંધાયો છે. સોનાના ભાવની વાત કરીએ તો બુધવારે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા નોંધાયો હતો. જેમાં આજે 4,085 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે સોનાનો ભાવ 1,48,777 રૂપિયા નોંધાયો છે.
સોના-ચાંદીનો ભાવ તૂટવા પાછળ માર્કેટના નિષ્ણાતો ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્વના નિવેદનોને જવાબદાર ગણાવી રહ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે અગાઉ ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપિયન યુનિયન (EU) પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા સર્જાઈ હતી અને લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા હતા. હવે ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ગ્રીનલેન્ડ મામલે નાટો (NATO) સાથે સંતોષકારક કરાર થશે. આ નિવેદનથી બજારમાં ફેલાયેલો ડર ઓછો થયો છે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને જણાવ્યું કે, ભારત સાથે અમેરિકાનો મોટો વેપાર સોદો (Trade Deal) થવા જઈ રહ્યો છે. આ હકારાત્મક સમાચારની અસર શેરબજાર પર જોવા મળી છે અને રોકાણકારો સોનામાંથી નાણાં ખેંચી શેરબજાર તરફ વળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે આર્થિક પ્રતિબંધો જેવો તણાવ વધે છે, ત્યારે સોનાનો ભાવ વધે છે. ટ્રમ્પ દ્વારા ટેરિફની ધમકીઓ પાછી ખેંચાતા અને શાંતિના સંકેતો મળતા જ સોના-ચાંદીના ભાવમાં આ મોટું કરેક્શન આવ્યું છે.