થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં ભાજપના પદાધિકારી અને તેના સમર્થકોએ શિવસેનાના નગરસેવક પર હુમલો કર્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શિવસેનાના નગરસેવક હેમંત ચાતુરેએ ગુરુવારે સોનાવલી વિસ્તારમાં માઘી ગણપતિ પંડાલની મુલાકાત લીધી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
નગરસેવકના સાથીદારોએ આરોપ કર્યો હતો કે ભાજપના પદાધિકારી તેજસ ઉર્ફે બંટી મ્હસ્કર અને તેના 20થી 25 સમર્થકોએ વિવાદ બાદ ચાતુરે પર હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચાતુરેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ગુનામાં સંડોવાયેલા તમામ લોકોને ઓળખી કાઢવા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)