(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ અરબી સમુદ્રમાં આકાર પામી રહેલા પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ કચ્છ-સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠાં થવાની મોસમ વિભાગે આગાહી કરી છે એ વચ્ચે થોડા સમય પૂરતી ગાયબ થઇ ગયેલી ઠંડીએ અચાનક સરહદી જિલ્લા કચ્છમાં પોતાનો આતંક મચાવવો શરૂ કર્યો છે. કચ્છના નલિયાનું ન્યુનતમ તાપમાન 5 ડિગ્રી સે.નોંધાતા આજે પણ તે માઉન્ટ આબુ સમક્ષ ઠંડુ બન્યું હતું. આ ઉપરાંત કાતિલ ઠંડી માટે જાણીતા રાજસ્થાનના પ્રણાલીગત ઠંડા શહેર ફતેહપુર, સિરોહી,ચિતોડગઢ, જોધપુર, જેસલમેર અને કોટા કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે.
અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં આછા બરફની ચાદર છવાઈ છે અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
અબડાસા તાલુકાના નલિયા, મોથાળા, ભાનાડા સહિતના વિસ્તારોમાં જાણે સવારે કર્ફ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે અને છેક બપોરના બાર વાગ્યા સુધી બજારોમાં કોઈ ચહલ-પહલ જોવા મળતી નથી અને સુસવાટા મારતા ઠંડા પવનોથી બચવા ઘરમાં પૂરાઈ રહેવા મજબુર બનવું પડી રહ્યું છે.
બીજી તરફ, ભુજમાં પણ આજે લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી સે.જેટલું નીચું જતાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સવારની પાળીમાં શાળામાં જતાં બાળકો અને નોકરી અર્થે અપડાઉન કરતા કર્મચારીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. શહેરોમાં દૂરના સોસાયટી વિસ્તારોમાં શાક-બકાલાની ફેરી કરતા ફેરિયાઓ અલોપ થઇ જતાં ગૃહિણીઓને શાકભાજી ખરીદવાની મુશ્કેલી પડતી હોવાનું ભુજના મુંદરા રોડ રિલોકેશન સાઈટ પર રહેતાં ખ્યાતિ વૈદ્યે જણાવ્યું હતું.
કચ્છની મારકણી ઠંડીએ મુંબઈથી કચ્છ આવતા પ્રવાસીઓને પણ પરેશાન કર્યા છે અને કચ્છ તરફ આવતી ટ્રેનો જયારે માળિયા-મિયાણા અને સુરાજબારીનો પટ્ટો પસાર કરે છે ત્યારે આખે આખી ટ્રેન 'કોલ્ડ સ્ટોરેજ'માં પરિવર્તિત થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે,હવામાન ખાતાની આગાહી પ્રમાણે અત્યારે પડી રહેલી ઠંડી હજુ તો 'પાસેરામાં પહેલી પૂણી' સમાન છે. ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં હજુ પણ થઇ રહેલી એકધારી બરફવર્ષાને લઈને ઉત્પ્ન્ન થઇ રહેલા બર્ફીલા પવનો આગામી ૧૨ કલાકમાં ગુજરાતમાં પ્રવેશ કરશે જેથી કચ્છ-સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન હજુ નીચું જવાની આગાહી કરવામાં આવી છે.