Tue Jan 27 2026

Logo

White Logo

ગુજરાતના આ શહેરોમાં બનાવાશે દિવ્યાંગ ગાર્ડન, જાણો શું હશે વિશેષતાઓ...

1 day ago
Author: Mayur Patel
Video

AI


ગાંધીનગરઃ ગુજરાતના ચાર મેટ્રો સિટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં દિવ્યાંગ ગાર્ડન બનાવાશે. જેની ગુજરાતના બજેટમાં જાહેરાત થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે વિકસાવાયેલા દિવ્યાંગ ગાર્ડનની પેટર્ન પર રાજ્ય સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકો-ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત 17 ફેબ્રુઆરીએ રજૂ થનારા રાજ્ય સરકારના બજેટમાં થઈ શકે છે.

આ પાર્કમાં તમામ 21 પ્રકારના વિકલાંગો માટે અનુકૂળ સુવિધાઓ હશે. આ ગાર્ડનમાં દ્રષ્ટિહીન લોકો માટે સ્પર્શ અને ગંધ દ્વારા અનુભવ મેળવવા, જળ ચિકિત્સા, માતાઓ માટે પણ ખાસ સુવિધા, વોટર થેરાપી, માનસિક રીતે વિકલાંગ બાળકો માટે સ્વતંત્ર રૂમ સહિતની અન્ય તમામ સુવિધાઓ હશે.

રાજ્યમાં હાલ શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે. 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું છે. જેને લઈ અમદાવાદ સહિત મેટ્રો સિટીમાં વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગેનું આયોજન કરાઈ રહ્યું છે.  ગુજરાત સકારના વર્ષ 2026-27ના બજેટમાં શહેરી વિકાસ વિભાગમાં આવી સંખ્યાબંધ જાહેરાત થવાની શક્યતા છે.

જે અંતર્ગત રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં દિવ્યાંગ મૈત્રીપૂર્ણ ગાર્ડનની જાહેરાત થશે. તે માત્ર મનોરંજન નહીં પરંતુ દિવ્યાંગોના શારિીરિક અને માનસિક વિકાસ માટે એક થેરાપી સેન્ટર તરીકે કામ કરશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ પ્રોજેકટનું અમલીકરણ કરાશે. દિવ્યાંગો માટે અલગથી ગાર્ડન બનાવવાથી આત્મવિશ્વાસ વધશે. સેરબ્રલ પાલ્સી, ઓટિઝમ જેવી બીમારી ધરાવતા બાળકો માટે આ ગાર્ડન આશીર્વાદ રૂપ બનશે.

દિવ્યાંગ ગાર્ડનની મુખ્ય વિશેષતાઓ શું હશે

અવાજ દ્વારા મનોરંજન મેળવી શકાય તેવા ઓપન અર વાદ્યો
વ્હીલચેર સાથે રમી શકાય તેવી હીંચકા અને લપસણી
દ્રષ્ટિહીન વ્યકિતઓ માટે સ્પર્શ દ્વારા રસ્તો ઓળખી શકાય તેવા બ્લોક બનાવાશે
ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીના સાધનો મુકાશે
દરેક સૂચનાઓ અને છોડની માહિતી બ્રેઈલ લિપિમાં હશે
દિવ્યાંગોને પણ સામાન્ય નાગરિકોની જેમ જ જાહેર સુવિધાઓનો લાભ મળશે