વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં વધુ એક ચકચારભરી ઘટના બની હતી. ભારતીય મૂળના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ મુજબ આ મામલો ઘરેલુ વિવાદ સાથે જોડાયેલો છે. આરોપીની ઓળખ 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે, જેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને બ્રુક આઈવી કોર્ટ વિસ્તારમાં ગોળીબારની સૂચના મળી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમને ઘરની અંદરથી ચાર લોકોની લાશ મળી હતી. તેમના માથા પર ગોળી વાગ્યાના નિશાન હતા. મૃતકોની ઓળખ વિજય કુમારના પત્ની મીમુ ડોગરા (ઉ.વ.43), ગૌરવ કુમાર (ઉ.વ.33), નિધિ ચંદર (ઉ.વ.37) અને હરિશ ચંદર (ઉ.વ.38) તરીકે થઈ હતી.
ઘટના સમયે બાળકોએ આ રીતે બચાવ્યો જીવ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના સમયે હાજર ત્રણ બાળકોએ માળીયામાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. તેમાં વિજય કુમાર અને મીમુ ડોગરાના 12 વર્ષીય બાળકો પણ સામેલ હતા. જેમણે હિંમત બતાવીને પોલીસને ફોન કરીને ઘટનાની દાણ કરી હતી. આ કોલના કારણે પોલીસ ગણતરીના કલાકોમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ અનુસાર વિજય કુમાર અને તેના પત્ની વચ્ચે એટલાંટા સ્થિત ઘરમાં ચર્ચા થઈ હતી. જે બાદ તેઓ તેમના સંબંધીઓ જ્યાં રહે છે ત્યાં પોતાના બાળકો સાથે આવ્યા હતા. અહીં વિવાદે હિંસકરૂપ ધારણ કર્યું હતું અને ગોળીબારની ઘટના બની હતી.
ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પરંતુ તેનું વાહન હાઈવે પર પાર્ક કરેલું મળ્યું હતું. જે બાદ પોલીસે સર્ચ ઓપરેશન કરીને વિજય કુમારને ઝડપી પાડ્યો હતો. આ ઘટના અંગે એટલાંટા સ્થિત ભારતીય દૂતાવાસે ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું હતું. ભારતીય દૂતાવાસે નિવેદન જાહેર કરીને કહ્યું, તેઓ પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. ઘટનાની તપાસ શરૂ છે.