રાયપુર: ભારતીય ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 82* રન ફટકારીને ફોર્મમાં એવો પાછો ફર્યો હતો કે તેણે ઈશાન કિશન (32 બોલમાં 76 રન) સાથે મળીને અહીં રમાયેલી બીજી ટી-20માં પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ ટીમની સાત વિકેટે કચડી નાખી હતી અને ત્રણ વિકેટે 209 રન બનાવી પાંચ મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી હતી.
પહેલા બેટિંગ કરતા કિવીઓએ છ વિકેટે 208 રન બનાવ્યા હતા અને આ ટાર્ગેટ ભારતે 28 બોલ બાકી હતા ત્યારે સિદ્ધ કર્યો હતો. કિશન અને સૂર્યા ઉપરાંત શિવમ દુબેએ 18 બોલમાં ઝડપી 36 રન ફટકાર્યા હતા.કુલદીપ યાદવે મિડલ ઓવરોમાં બે મહત્ત્વની વિકેટ ઝડપીને ફોર્મમાં વાપસી કરી હતી, તેમ છતાં બેટિંગ માટે અનુકૂળ એવી રાયપુરની પિચ પર ન્યુઝીલેન્ડે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 6 વિકેટે 208 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
રચિન રવીન્દ્ર (26 બોલમાં 44) અને કેપ્ટન મિચલ સેન્ટનર (27 બોલમાં અણનમ 47) એ રમતના અલગ-અલગ તબક્કામાં ભારતીય બોલરો પર આક્રમણ કરીને ન્યૂ ઝીલેન્ડને 200 રનનો આંકડો પાર કરાવ્યો હતો.
ટીમમાં ફેરફાર
ઝાકળની શક્યતાને જોતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને અપેક્ષા મુજબ ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઈજાગ્રસ્ત અક્ષર પટેલ અને આરામ આપવામાં આવેલા જસપ્રીત બુમરાહના સ્થાને હર્ષિત રાણા અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ડેવોન કોનવે (9 બોલમાં 19) અને ટિમ સેફર્ટ (13 બોલમાં 24) એ ન્યૂ ઝીલેન્ડને તોફાની શરૂઆત અપાવી હતી, જોકે તેઓ લાંબી ઇનિંગ રમી શક્યા નહોતા.
અર્શદીપની ધુલાઈ
કોનવેએ ઇનિંગની પહેલી જ ઓવરમાં અર્શદીપ સિંહ પર આક્રમણ કરતા ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 18 રન લીધા હતા. સેફર્ટે પણ અર્શદીપની બીજી ઓવરમાં ચાર ચોગ્ગા ફટકારી ફરી 18 રન મેળવ્યા હતા.
હર્ષિત રાણાએ ચોથી ઓવરમાં કોનવેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કુલદીપ યાદવે ખતરનાક ગ્લેન ફિલિપ્સને ગૂગલીમાં ફસાવીને આઉટ કર્યો હતો અને ત્યારબાદ સેટ થયેલા રચિન રવીન્દ્રની પણ વિકેટ ઝડપી હતી.
10 ઓવરમાં ન્યૂ ઝીલેન્ડનો સ્કોર 111/3 હતો, પરંતુ ભારતે વચગાળામાં રન ગતિ પર અંકુશ મેળવ્યો હતો. શિવમ દુબેએ ડેરિલ મિચલને આઉટ કરીને દબાણ વધાર્યું હતું. જોકે, કેપ્ટન સેન્ટનરે અંતિમ પાંચ ઓવરમાં આક્રમક બેટિંગ કરી 57 રન ઉમેર્યા હતા, જેમાં હાર્દિક પંડ્યાની બોલિંગમાં ફટકારેલા સીધા છગ્ગાનો પણ સમાવેશ થાય છે.
ટૂકો સ્કોર:
ન્યૂ ઝીલેન્ડ: 20 ઓવરમાં છ વિકેટે 208 (રચિન રવીન્દ્ર 44, મિચેલ સેન્ટનર 47 અણનમ, કુલદીપ યાદવ 35 રનમાં બે વિકેટ)
ભારત: 15.2 ઓવરમાં ત્રણ વિકેટે 209 (ઈશાન કિશન 76, સૂર્યકુમાર યાદવ 82 અણનમ)