મુંબઈ: 'બોર્ડર 2' ફિલ્મ રિલીઝ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. 'બોર્ડર' ફિલ્મના ફેન્સ આ સિક્વલને થિયેટરમાં જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા 'બોર્ડર' ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તરે આ નવી ફિલ્મના 'સંદેશે આતે હે' ગીતને લઈને એક ટિપ્પણી કરી હતી જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયામાં એક નવી ચર્ચા શરૂ થઈ હતી.
નવા ગીતો નથી બનાવી શકતા તો સ્વીકારી લો કે...
'બોર્ડર 2' ફિલ્મમાં 'બોર્ડર' ફિલ્મના 'સંદેશે આતે હે', 'તો ચલુ', 'હમે તુમસે મહોબ્બત હો ગઈ હે', 'હિન્દુસ્તાન મેરી જાન' જેવા ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે જણાવ્યુ હતુ કે ફિલ્મમેકર્સે મને ફિલ્મ માટે ગીતો લખવાનું કહ્યુ હતુ, પરંતુ મેં તેઓને ના પાડી દીધી હતી. એક રીતે ક્રિએટિવિટીનો અભાવ હોય એવું લાગે છે. તમારી પાસે જૂના ગીતો છે, જે પહેલાથી જ ઘણા હીટ હતા અને હવે તમે એમા થોડું કશું જોડીને, તેને ફરીથી તૈયાર કરવા માંગો છો? અથવા તો નવા ગીતો બનાવો અથવા તો એ સ્વીકારી લો કે હવે તમે એ સ્તરનું કામ કરી શકતા નથી."
'સંદેશે આતે હૈ' ગીત ફિલ્મનો આત્મા છે
જાવેદ અખ્તરની આ ટિપ્પણીને લઈને હવે 'બોર્ડર 2' ફિલ્મના પ્રોડ્યુરસ ભૂષણ કુમારે જવાબ આપ્યો છે. ભૂષણ કુમારે જણાવ્યું છે કે "ત્રણ વસ્તુ વગર 'બોર્ડર 2' ફિલ્મની કલ્પના અધૂરી છે. એક ફિલ્મનું ટાઇટલ, બીજું સની દેઓલ અને ત્રીજું યાદગાર આઇકોનિક ગીત 'સંદેશે આતે હે' ગીત. 'સંદેશે આતે હે' ગીત ફિલ્મનો આત્મા છે અને ફેન્સની લાગણી સાથે જોડાયેલું છે, તેથી તેનો ફરી ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. તે ફિલ્મ માટે જરૂરી છે."
ભૂષણ કુમારે 'સંદેશે આતે હે' ગીત વિશે વધુમાં જણાવ્યું કે, "આ ગીતનો જૂની રીતે હૂબહૂ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વખતે ફિલ્મની વાર્તા 1971ના યુદ્ધના જુદા-જુદા પાસાઓ અને અન્ય સૈનિકોના બલિદાન પર આધારિત છે. તેથી આ ગીતના શબ્દો બદલવામાં આવ્યા છે. જેથી હાલની સ્ટોરી અને તેના પાત્રો સાથે પરિસ્થિતિનો તાલમેલ સધાઈ શકે."