વડોદરાઃ શહેરમાં મગર બાદ શિયાળ જોવા મળતાં નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ગઈકાલે ઈન્દ્રપુરી કોમ્પલેક્સમાં આવી ચઢેલા શિયાળે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. પહેલા તો સ્થાનિકો જંગલી જનવારને કૂતરું સમજી ભગાડવા લાગ્યા હતા પરંતુ પાછળથી શિયાળ હોવાની જાણ થતાં ફફડાટે ફેલાયો હતો.
ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના રેસ્કયુઅરને ચકમો આપી શિયાળ ભાગી છૂટ્યું હતું. કોર્રોપેરેશન પાસેથી કૂતરા પકડવાની જાળી લઈ વનવિભાગ શિયાળ પકડવા આવ્યું હતું. રેસ્ક્યુ માટેની પદ્ધતિ પણ યોગ્ય ન હોવાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
શિયાળ અને કૂતરામાં શું છે તફાવત
પ્રથમ દ્રષ્ટિએ જોતા શિયાળ અને કૂતરા જોવામાં એક જેવા લાગે છે પણ તેમાં ઘણો તફાવત છે. કૂતરો સામાજિક પ્રાણી છે. તેઓ ટોળામાં રહેવાનું પસંદ કરે છે અને માણસો સાથે ખૂબ જ જલ્દી ભળી જાય છે. જ્યારે શિયાળ એકલવાયું પ્રાણી છે. તેઓ મોટે ભાગે એકલા શિકાર કરે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે.
બંનેના શારિરીક દેખાવની વાત કરીએ તો કૂતરાઓની અનેક જાતિઓ હોય છે. તેમનું કદ નાનું પણ હોઈ શકે અને ઘણું મોટું પણ. તેમની પૂંછડી ઘણીવાર ઉપરની તરફ વળેલી હોય છે. જ્યારે શિયાળ કદમાં કૂતરા કરતા નાના હોય છે. તેમની પૂંછડી ખૂબ જ લાંબી અને ઝાડી હોય છે. તેમની આંખોની કીકી બિલાડી જેવી ઉભી હોય છે, જે તેમને રાત્રે જોવામાં મદદ કરે છે.
કૂતરા ભસી શકે છે અને તે તેમનો મુખ્ય અવાજ છે, જ્યારે શિયાળ કૂતરાની જેમ ભસી શકતા નથી. તેઓ ઊંચા અવાજે રડે છે.કૂતરા હજારો વર્ષોથી પાળવામાં આવે છે. તેઓ વફાદાર હોય છે અને સૂચનાઓનું પાલન કરે છે. શિયાળ જંગલી પ્રાણી છે. તેમને પાળવા ખૂબ મુશ્કેલ છે અને તેઓ કૂતરાની જેમ વફાદાર કે આજ્ઞાકારી હોતા નથી.