ગાંધીનગરઃ રાજધાનીની કોલેજના ક્લાસરૂમમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થિની બેન્ચ પર ચડીને દુપટ્ટા વડે પંખામાં ફંદો બનાવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાનિયાતર ગામની વતની શિવાની આહીર (19) ગાંધીનગરના સેક્ટર-7માં આવેલ જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને એફવાયબીએનો અભ્યાસ કરતી હતી.
21મીના કોલેજમાંથી ગુમ થઈ હતી
કોલેજમાં અભ્યાસ કરતી શિવાની ગઈ કાલે 21 જાન્યુઆરીએ ગુમ થઈ ગઈ હતી. જેથી કોલેજ વહીવટી તંત્ર અને સિક્યુરિટી દ્વારા હોસ્ટેલ અને કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી હતી. તમામ જગ્યાએ શોધખોળ કરવામાં આવી હોવા છતાં પણ શિવાનીનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આ સમગ્ર મામલે કોલેજ વહીવટી તંત્ર દ્વારા સેક્ટર 7 પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા લાપત્તા વિદ્યાર્થિનીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અંતિમ પગલું શા માટે ભર્યું?
પોલીસ તપાસ દરમિયાન કોલેજના ક્લાસરૂમમાંથી વિદ્યાર્થિનીનો પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક વિદ્યાર્થિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તપાસ હાથ ધરી દીધી છે. આખરે શા કારણે આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી? આ વિદ્યાર્થિનીએ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ જાણવા મળ્યું નથી! જો કે પ્રાથમિક તપાસ પ્રમાણે રીક્ષા શરૂ થવાની હોવાથી વિદ્યાર્થિનીએ તણાવમાં આ પગલું ફર્યું હોવાનું અનુમાન છે. પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
પરીક્ષાના તણાવમાં આત્મહત્યા કરી હશે?
શિવાનીના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસે જ્યારે પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, કોલેજમાં આજથી પરીક્ષા શરૂ થઈ છે. જેથી બની શકે કે, પરીક્ષાના તણાવમાં ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. જો કે, આ કારણે સાચુ કારણ માની શકાય નહીં! આત્મહત્યાની સાચી હકીકત જાણવા માટે પોલીસે વિદ્યાર્થિનીની સહેલીઓ અને પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાર્યવાહી કરી છે.