મુંબઈ: બોલીવુડમાં હિ-મેન તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રના નિધનને દોઢ મહિના જેટલો સમય વિતી ગયો છે. તાજેતરમાં તેમની છેલ્લી ફિલ્મ '21' રિલીઝ થઈ છે, જે તેમના અભિનયની યાદો તાજી કરાવે છે. આ સિવાય ધર્મેન્દ્રના ઘણા ફેન્સ પાસે પણ તેમની યાદો સચવાયેલી છે. ધર્મેન્દ્રના એક ફેન્સે પણ આવી જ યાદોથી ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈને યુઝર્સ ભાવુક થયા છે.
આ છેલ્લી મુલાકાત હશે, મને ખબર ન્હોતી
આરજે અનિરૂદ્ધ ચાવલાએ હેમા માલિની અને ધર્મેન્દ્ર સાથેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. હેમા માલિની અને ધર્મેન્દ્રના હાથમાં તેમની 1981માં આવેલી 'આસપાસ' ફિલ્મનું પોસ્ટર છે. આરજે અનિરૂદ્ધ ચાવલા પણ તેમની સાથે છે અને તે આ ફિલ્મનું 'દિલ મેં બંધ કર લો' ગીત ગાઈ રહ્યો છે. આ સાથે હેમા માલિની ઝૂમી રહી છે અને ધર્મેન્દ્રના ચહેરા પર પણ આછું સ્મિત રેલાઈ રહ્યું છે.
હેમા માલિની અને ધર્મેન્દ્ર સાથેના આ વીડિયોને શેર કરીને આરજે અનિરૂદ્ધ ચાવલાએ કેપ્શનમાં લખ્યું છે કે, "ધર્મેન્દ્ર જી અને હેમા માલિની સાથે થોડી યાદગાર ક્ષણો. તેઓની મુલાકાત કરીને તેમની ફિલ્મ 'આસપાસ'નું ગીત 'દરિયા મેં ફેંક દો ચાવી' ગાયું હતું. ધરમજીના નિધનના 4 મહિના પહેલા જ અમારી મુલાકાત થઈ હતી. જ્યારે હું પોતાના કેનેડાના કોન્સર્ટ ટૂર માટે જવા માટે તેમના આશીર્વાદ લેવા ગયો હતો. ત્યારે મને ખબર ન હતી કે, આ મારી છેલ્લી મુલાકાત હશે."
ધરમજી હજુ પણ આ દુનિયામાં છે
હેમા માલિની અને ધર્મેન્દ્રનો આ વીડિયો જોઈને તેમના ફેન્સ ભાવુક થયા છે. એક ફેન્સે કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, 'આ જોઈને લાગી રહ્યું છે કે, હજુ પણ ધરમજી આ દુનિયામાં છે.' બીજા યુઝરે લખ્યું કે, 'દુનિયાની બેસ્ટ જોડી' ત્રીજા યુઝરે લખ્યું છે કે, 'મીસ યુ ધર્મેદ્રજી'. જ્યારે ચોથા એક યુઝરે લખ્યું છે કે, 'વીડિયોગ્રાફરનો પણ આભાર માનવો જોઈએ.'