Tue Jan 27 2026

Logo

White Logo

તલોદની હરસોલ પોસ્ટ ઓફિસમાં 77 લાખનું કૌભાંડ, બે કર્મચારીઓની ધરપકડ...

1 week ago
Author: Tejas
Video

તલોદ: સાબરકાંઠાના તલોદમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જ નાણાંની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હરસોલ પોસ્ટ ઓફિસમાં વિશ્વાસઘાત અને ઉચાપતનો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિભાગીય અધિકારીઓએ શંકાના આધારે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને લાખો રૂપિયાની રકમ સગેવગે કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, જેના પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હરસોલ પોસ્ટ ઓફિસના રોજિંદા વ્યવહારોમાં ગેરરીતિની ગંધ આવતા ઉપલી કચેરી દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. રેકોર્ડ મુજબ ઉપલી કચેરીએ કુલ 80 લાખ રૂપિયાની રોકડ મોકલી હતી, પરંતુ જ્યારે ભૌતિક તપાસ કરવામાં આવી ત્યારે તિજોરીમાંથી માત્ર 2.52 લાખ રૂપિયા જ મળી આવ્યા હતા. બાકીના 77.12 લાખ રૂપિયાનો કોઈ હિસાબ ન મળતા તપાસકર્તા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સરકારી નાણાં ગાયબ હોવાનું સાબિત થતા તુરંત જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ નાણાકીય કૌભાંડમાં ચાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સંડોવણીના આક્ષેપો થયા છે. તલોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા બે મુખ્ય આરોપીઓ શુભમ કર્મબીર રાઠી અને વિપુલ કનૈયાલાલ ભટ્ટની ધરપકડ કરી લીધી છે. ઉચાપત કરેલી રકમ ક્યાં વાપરવામાં આવી અને આમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે. હાલ અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

પોસ્ટ વિભાગે આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારને જોતા કડક વલણ અપનાવ્યું છે. ઉચાપતના આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. સરકારી નાણાંની ઉચાપત થતા પોસ્ટ વિભાગના અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જનતાના પરસેવાના નાણાં સાથે ચેડા કરનાર સામે ખાતાકીય તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.