અમદાવાદ: એક તરફ ગુજરાત વિકાસના પથ પર અગ્રેસર હોવાનું ચિત્ર રજૂ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં દેવું, આર્થિક સંકટ અને બેરોજગારીને કારણે આત્મહત્યાના કિસ્સાઓમાં ભયાનક વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં અંદાજે 9000 લોકોએ આત્મહત્યા કરી છે, જે દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 25 લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.
ગુજરાતમાં સતત વધ્યું આત્મહત્યાનું પ્રમાણ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ કર્મચારીઓ પણ હવે માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણનો શિકાર બની રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ગાંધીનગર, ભાવનગર અને ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલોએ કરેલી આત્મહત્યાના આધારે આવો અંદાજ લગાવી શકાય છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષોમાં પણ ગુજરાતમાં આત્મહત્યાનો આંકડો સતત વધતો રહ્યો છે.
છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતમાં થયેલી આત્મહત્યાના આંકડાઓ પર એક નજર કરીએ તો 2020-21માં 8,307 લોકોએ આત્મહત્યા કરી હતી. 2021-22માં 8,614 લોકોએ આત્મહત્યા કરી હતી. 2022-23માં 8,557 લોકોએ આત્મહત્યા કરી હતી. આમ, ત્રણ વર્ષમાં કુલ 25,478 લોકોએ આપઘાત કર્યો છે. જ્યારે તાજેતરમાં 2024-25ના આવેલા આંકડા અનુસાર 9,000 લોકોએ આત્મહત્યા કરી છે.
આત્મહત્યા માટે જવાબદાર કારણો
મોંઘવારી, બેરોજગારી (207 કિસ્સા), ગરીબી (67 કિસ્સા) અને દેવું મુખ્ય કારણો છે. છેલ્લા બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે. છેલ્લા 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ઓછું વેતન અને સામાજિક સુરક્ષાના અભાવે મજૂરોમાં આત્મહત્યાના પ્રમાણમાં 50 ટકા નો વધારો થયો છે. આ સિવાય આત્મહત્યાની કેટલીક ઘટનાઓ પાછળ પ્રેમસંબંધ, બીમારી અને માનસિક તણાવ પણ જવાબદાર પરિબળો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આત્મહત્યાના સૌથી વધુ કિસ્સાઓ અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નોંધાયા છે. 2023ના આંકડા મુજબ, આપઘાત કરનારાઓમાં 6,260 પુરુષો, 2,685 મહિલાઓ અને 3
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.