બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
આજે બધી ટીવી ચેનલોમાં સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટને લગતા કાર્યક્રમો જોવા મળે છે. સફળ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપમાં જેમને સફળતા મળી છે તેના સ્થાપકો જ્યુરીમાં જોવા મળશે. આજનો દરેક બીજો યુવાન પોતાનું સ્ટાર્ટઅપ હોય તેમ વિચારે છે. આ કાર્યક્રમોએ લોકોને સ્ટાર્ટઅપના ગણિત અને તેના વેલ્યુએશન વિશે, કેટલી ઇક્વિટી કેટલા વેલ્યુએશન પર વગેરે બાબતોથી વાકેફ કર્યા. આ ઉપરાંત પરિવારોમાં જમતી વખતે અથવા સાથે બેઠા હોય ત્યારે આના વિષે ચર્ચાઓ થાય.
ઘણાને એમ પણ કહેતા સાંભળશો કે આજે સ્ટાર્ટઅપનો રાફડો ફાટ્યો છે. આમ તો ‘સ્ટાર્ટઅપ’ શબ્દ આજે આપણા માટે નવો નથી. મોટે ભાગે તે આઇડિયા આધારિત હોય. કોઈક નવો વિચાર હોય જે આજ સુધી કોઇયે કર્યો ન હોય અથવા તેને નવી રીતે મૂકવામાં આવે જે લોકો માટે અપનાવવો આસાન હોય, જેમકે- ફ્લિપકાર્ટ, ઓલા, ઉબર, કંટ્રી ડિલાઇટ, એરબીએનબી, વગેરે.
ઘણા સ્ટાર્ટઅપ આઇડિયાની સાથે ટેકનોલોજી આધારિત હોય છે. આજે આવા સ્ટાર્ટઅપ વધી રહ્યા છે તેનાં કારણોમાં યુવાનોને પોતાનુ કૈંક કરવાની ભૂખ, મેક ઇન ઇંડિયા, આત્મનિર્ભર ભારત જેવા ગવર્નમેંટ ઇનિશિયેટિવ અને સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનની અંતર્ગતના જંગી ફાયદાઓ. સ્ટાર્ટઅપ ઉત્સાહમાં શરૂ થઈ જાય છે.
આઇડિયા આવ્યો એટલે શરૂ કરી દો, એમાં જો ટેકનોલોજી સાથે હોય તો આપણું સ્ટાર્ટઅપ યૂનિકોર્ન (કંપનીનું વેલ્યૂએશન USD 1 બિલિયન હોય તે) બની જવાનુંની ગેરસમજ ઘણા લોકોને ઉંધે માર્ગે દોરે છે.
સૌથી મહત્ત્વનું છે સ્ટાર્ટઅપ માટે તે સમજવું કે ‘મારો જે આઇડિયા છે તેની ખરેખર માર્કેટમાં કે ક્ધઝ્યુમરને જરૂર છે?’ આનો જવાબ શોધવાની કે વિચારવાની ઘણા સ્ટાર્ટઅપ કોશીશ નથી કરતા અને પરિણામ રૂપે તે આગળ જતા અસફળતાનો સામનો કરે છે. તમે જો બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને જણાશે કે જે સ્ટાર્ટઅપે માર્કેટ અને ક્ધઝ્યુમરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આઇડિયા બિલ્ડ કર્યો હશે તે અચૂક સફળ થયુ છે.
બીજી ગેરસમજ સ્ટાર્ટઅપની કે અમારી પાસે આઇડિયા છે, ટેકનોલોજી છે, પ્રોડક્ટ છે તો સેલ થશે જ અને તેથી અમારે બ્રાન્ડ બનાવવાની આવશ્યકતા નથી. સ્ટાર્ટઅપે શરૂઆતમાં જ સમજવાની જરૂર છે કે જ્યારે કંપનીનું વેલ્યૂએશન થશે ત્યારે બ્રાન્ડનું વેલ્યૂએશન મહત્ત્વનો ભાગ ભજવશે. સ્ટાર્ટઅપની દલીલ હોય છે કે અમારી પાસે ફંડિંગ ઓછું છે તો અમે ધંધામાં પૈસા લગાડીયે કે બ્રાન્ડિંગ માટે રાખીએ? અહીં સૌ પ્રથમ જાણી લો કે બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગમાં ફરક છે. શરૂઆતમાં તમને એડવર્ટાઇઝિંગ પાછળ ખર્ચો કરવાનું કોઈ નથી કહી રહ્યું. તેનો અર્થ તે પણ નથી કે હું પ્રમોશન પાછળ ખર્ચો ના કરું. જેટલી મારી ત્રેવડ હોય તેટલી પણ ધીરે ધીરે માર્કેટિંગ અને બ્રાન્ડ પાછળ ઇનવેસ્ટ કરવાનું શરૂ કરો અને બ્રાન્ડ બનાવવાની પ્રોસેસ સેટ કરો.
જેના થકી તમે ઓળખાવવાના છો અર્થાત્ તમારી સ્ટાર્ટઅપનું નામ અને લોગો પ્રોફેશનલી ડિઝાઇન કરો. તમારો આઇડિયા જે છે તેની ક્લેરિટી અને તે માર્કેટમાં ટેસ્ટ થયેલી છે ની સાબિતી તમે નાના પાયે રિસર્ચ કરી મેળવી શકો. ત્યારબાદ તમારા ટાર્ગેટ ઓડિયન્સની ક્લેરિટી, કોના માટે તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસ બનાવ્યા છેની માહિતી તમને ફોકસ્ડ બનાવશે અને તમારો સમય અને પૈસા બચાવશે. તમારી પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે તમારા પ્રતિસ્પર્ધીથી અલગ છે ની સમજણ-જાણ તમારા ક્ધઝ્યુમરને તમારા તરફ આકર્ષશે.
આનાથી આગળ અને સૌથી મહત્ત્વનું તમારી બ્રાન્ડનું વિઝન, મિશન, પર્પસ અને વેલ્યૂને ડિફાઇન કરો. આ વાતો તમારી કંપનીને એક કલ્ચર પૂરું પાડશે જે સફળ બ્રાન્ડ માટે ઘણુ ઉપયોગી પાસુ છે.
આમ સ્ટાર્ટઅપ જે વિચારે છે કે બ્રાન્ડ બનાવવામાં પૈસા લાગે છે તો તેમણે એ વિચારવું જોઈએ કે ઉપરોકત આ મુદ્દાઓને અમલમાં મૂકવા કેટલા જરૂરી છે અને મજાની વાત તે છે કે તેના માટે કોઈ ખર્ચો થતો નથી.
સ્ટાર્ટઅપ માટે બ્રાન્ડ બનાવવાના ઘણા ફાયદા છે, જેવા કે તમારી બ્રાન્ડ કે પ્રોડક્ટ આસાનીથી કોપી થઈ શકે છે પણ બ્રાન્ડ પોઝિશનિંગ જે તમને લોકોથી અલગ તારવશે તે કોપી ના થઈ શકે, જે તમારી બ્રાન્ડની ઓળખ હશે. તમારા વેપાર અને બ્રાન્ડને ઓર્ગનાઈઝ્ડ બનાવશે. આજે સ્ટાર્ટઅપ બ્રાન્ડ સાથે લોકોને કામ કરવું છે અને જો સ્ટાર્ટઅપ બ્રાન્ડ બિલ્ડ કરશે તો સારી ટેલેંટને આકર્ષશે. સૌથી મહત્ત્વનું બ્રાન્ડ હશે તો સ્ટાર્ટઅપ પોતાની બ્રાન્ડ દ્વારા ઇન્વેસ્ટરને આકર્ષશે પોતાની કંપનીમાં રોકાણ કરવા. આજે ઇન્વેસ્ટર ફક્ત આઇડિયા જાણી ઇનવેસ્ટ નહી કરે તે તમારી પાસે બ્રાન્ડ અને માર્કેટિંગ પ્લાન માંગશે. તે જાણે છે કે વેલ્યૂએશન બ્રાન્ડનું થશે ફક્ત આઇડિયા કે ટેક્નોલોજીનું નહીં.
સ્ટાર્ટઅપ જ્યારે મોટા પાયે વિકસવાનું વિચારતું હોય ત્યારે જરૂરી છે કે તે યૂનિક આઇડિયા લાવે પણ સાથે જો બ્રાન્ડ બિલ્ડ નહી કરે તો સફળતા મેળવવી મુશ્કેલ થશે અને સ્ટાર્ટઅપનો જે હેતુ છે તે વેલ્યૂએશન મળવી મુશ્કેલ છે...આથી તમારા સ્ટાર્ટઅપ નામના સિક્કાની બંને બાજુ, આઇડિયા અને બ્રાન્ડ બિલ્ડિંગને બેલેન્સ કરો જેથી તમારું સ્ટાર્ટઅપ હંમેશાં અપ, અપ અને અપ જ જાય...