Tue Jan 27 2026

Logo

White Logo

મુંબઈના મેયર પદની રેસમાં સૌથી આગળ છે આ ત્રણ નામ, જાણો કોણ શોભાવશે મેયરની ખુરશી...

5 days ago
Author: Darshana Visaria
Video

મુંબઈઃ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે મેયર પદના આરક્ષણની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. એમાં મુંબઈને મહિલા મેયર મળવાની શક્યતાઓ વધુને વધુ પ્રબળ થતી જોઈને ભાજપમાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. 25 વર્ષ બાદ મુંબઈની સત્તા પર બિરાજવા જઈ રહેલી ભાજપ-શિંદે ગઠબંધન સરકારમાં મેયર પદ માટે ત્રણ શક્તિશાળી મહિલા નેતાઓના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. જેના વિશે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું. 

મુંબઈ મહાનગરપાલિકામાં આરક્ષણની લોટરી મુજબ આ વખતે સામાન્ય શ્રેણીની મહિલા મેયર બનશે. ભાજપે 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ, હવે મેયર પદ માટે પક્ષની અંદર જ મંથન શરૂ થયું છે. આ રેસમાં 'વિકાસ', 'અનુભવ' અને 'નિષ્ઠા' એમ ત્રણ અલગ-અલગ પાસાઓ ધરાવતા ચહેરાઓ ચર્ચામાં છે.

તેજસ્વી ઘોસાળકર: વિકાસ અને યુવા ચહેરો
તેજસ્વી ઘોસાળકરનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. તેમની પોલિટિકલ જર્ની અને તાજેતરનો પક્ષપલટો તેમને આ રેસમાં તેમની દાવેદારીને વધુ મજબૂત બનાવે છે. તેઓ પૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્રવધૂ અને દિવંગત ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરના પત્ની છે. દહીંસરના વોર્ડ નંબર 2માંથી 16,484 મતો સાથે તેમણે શાનદાર જીત મેળવી છે. ડિસેમ્બર 2025માં તેમણે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. વિકાસકામો માટે લીધેલો આ નિર્ણય તેમને સત્તાધારી પક્ષમાં મોટું સ્થાન અપાવી શકે છે.

રાજશ્રી શિરવડકર: વહીવટી અનુભવનો લાભ
જો ભાજપ અનુભવને પ્રાધાન્ય આપે, તો રાજશ્રી શિરવડકરનું નામ મોખરે આવી શકે છે. રાજશ્રી ભાજપ મહિલા મોરચાના મુંબઈ મહાસચિવ છે અને અગાઉ સ્ટેન્ડિંગ કમિટી તેમજ વર્ક્સ કમિટીમાં સભ્ય રહી ચૂક્યા છે. તેમણે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સફળ કામગીરી કરી છે. તેજસ્વીએ સાયન-માટુંગા (વોર્ડ નંબર 172)માંથી ઠાકરે જૂથના ઉમેદવારને હરાવીને ભાજપનો ઝંડો લહેરાવ્યો છે. વાત કરીએ રાજશ્રી શિરવડકરના અનુભવની તો આ અનુભવ જ મેયરપદની રેસમાં આગળ રાખે છે. 

અલકા કેરકર: પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંઘનો સાથ
ભાજપ જ્યારે પણ મહત્વના પદોની વરણી કરે છે, ત્યારે પક્ષ પ્રત્યેની વર્ષોની નિષ્ઠાને ચોક્કસપણે ધ્યાનમાં લે છે. આ જ અનુસંધામાં મુંબઈમાં મેયરપદ માટે અલકા કેરકરનું નામ પણ સંભળાઈ રહ્યું છે. અલકા કેરકર લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ ભાજપના જૂના અને સમર્પિત કાર્યકર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ જોડાયેલા છે.

જોકે, પક્ષ બહારથી આવેલા નેતાઓને બદલે પોતાના જૂના અને પાયાના કાર્યકરને સન્માન આપવા માંગતો હોય, તો તેજસ્વી ઘોસાળકર કે રાજશ્રી શિરવડકરને બદલે અલકા કેરકર પર પસંદગી ઉતારવામાં આવી શકે છે.