અમદાવાદ: 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને પગલે દેશભરના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે શહેરના મહત્ત્વના એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી છે. એરપોર્ટને 31 જાન્યુઆરી સુધી 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યું છે. ઉપરાંત, સુરક્ષાની સાથે સાથે વાદળછાયા હવામાનને કારણે ફ્લાઈટ શેડ્યૂલ પર પણ મોટી અસર પડી છે. 'હાઈ એલર્ટ'ના દિવસો દરમિયાન વધારાની સુરક્ષા તપાસને કારણે મુસાફરોને એરપોર્ટ પર કોઈ મુશ્કેલી ન પડે તે માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ દ્વારા કેટલીકની સૂચનાઓ આપવામાં આવી છે.
સુરક્ષાના કડક નિયમો અને નવી એડવાઇઝરી
સુરક્ષા તપાસમાં વધુ સમય લાગી શકે તેમ હોવાથી મુસાફરોને ફ્લાઈટના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 3 કલાક વહેલા પહોંચવા અપીલ કરાઈ છે, કારણ કે મુસાફરોના સામાન (બેગેજ)ની બે વાર ચકાસણી કરવામાં આવશે. જેમાં વધારે સમય લાગી શકે છે. ચેક-ઈન કાઉન્ટર ફ્લાઈટના 60 મિનિટ પહેલા અને બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. જેથી અસુવિધાનો ભોગ ન બનવું પડે તે માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ દ્વારા અપાયેલી સૂચના મુજબ એરપોર્ટ પર પહોંચી જવાનું રહેશે. ખાસ વાત એ કે, મુસાફરો માત્ર 7 કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખી શકશે.
એરપોર્ટ પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર આવતા પહેલા પોતાની સંબંધિત એરલાઈન પાસેથી ફ્લાઈટના સ્ટેટસની અપડેટ મેળવી લે. યાત્રીઓને સુરક્ષા કર્મચારીઓ સાથે સહયોગ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે.
10 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેરમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીને કારણે SVP આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અવરજવર કરતી 10 જેટલી ફ્લાઈટો મોડી પડી છે, જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થનારા રિહર્સલને કારણે પણ હવાઈ પરિવહન પર અસર થવાની શક્યતા છે.