મુંબઈ: પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં મે, 2024માં બે જણનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માત કેસમાં જામીન મેળવવા માટે આરોપી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.
પુણેના કલ્યાણીનગરમાં 19 મે, 2024ની રાજે દારૂના નશામાં પોર્શે કાર હંકારી રહેલા 17 વર્ષના સગીરે બે આઇટી પ્રોફેશનલને કચડી નાખ્યા હતા.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે રાજ્ય સરકારને નોટિસ જારી કરી અને આ કેસના આવા મામલાઓ સંબંધી બોમ્બે હાઇ કોર્ટના 16 ડિસેમ્બરના આદેશ સામે આરોપી અમર ગાયકવાડની અરજીને જોડી દીધી હતી.
ગાયકવાડ વતી એડવોકેટ સના રઇસ ખાને રજૂઆત કરી હતી કે હાઇ કોર્ટે તેને જામીન નહીં આપવાની ભૂલ કરી છે.
સના ખાને ગુરુવારે બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજદાર સામે એકમાત્ર આરોપ એ હતો કે તેણે નાણાકીય વ્યવહાર માટે વચેટિયા તરીકે કામ કર્યું હતું, જે પુરાવા સાથે ચેડા કરવા અથવા સસૂન હોસ્પિટલમાં સગીરના લોહીના નમૂનાની અદલાબદલી કરવા માટે કરાયું હતું.
(પીટીઆઇ)