પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સૌની નજર માત્ર આર્થિક સુધારા પર જ નહીં, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સાડી પર પણ રહેશે. છેલ્લાં સાત વર્ષથી બજેટના દિવસે નિર્મલા સીતારમણ ભારતની સમૃદ્ધ હાથવણાટ પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરતા આવ્યા છે અને આ વખતે પણ તેઓ આ પરંપરા જાળવી રાખશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના અત્યાર સુધીના તમામ બજેટ લૂકે ભારતના કોઈને કોઈ રાજ્યની કળા, સંસ્કૃતિ અને કારીગરોની મહેનતની ગાથા આપણા સુધી પહોંચાડી છે.
બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણની સાડી માત્ર ફેશન સ્ટેટમેન્ટ નથી ગણાતી, પરંતુ તે ભારતના વિવિધ પ્રદેશોના વણકરોને સમર્થન આપવાનો એક સશક્ત માધ્યમ પણ છે. હવે 2026ના કેન્દ્રિય બજેટ રજૂ કરવાનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે વર્ષ 2019થી લઈને 2025 સુધીની બજેટ રજૂ કરવાના દિવસે નિર્મલા સીતારમણે પહેરેલી સાડીઓ પર એક નજર કરીએ અને જાણીએ એ પાછળનું કારણ...
બજેટ 2025: મધુબની કળા
ગયા વર્ષે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક ઓફ-વ્હાઈટ કલરની મધુબની સાડી પહેરી હતી, આ સુંદર સાડી માછલીના મોટિફ્સ હતા. આ સાડી પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ નિર્મલા સીતારમણને ખાસ ભેટ આપી હતી. આપણે ત્યાં માછલીને સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે.
બજેટ 2024: તુસ્સર સિલ્ક
વર્ષ 2024માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત અને ઓળખ સમાન કાંથા એમ્બ્રોઈડરી વાળી બ્લ્યુ કલરની તુસ્સર સિલ્ક સાડી પર પસંદ ઉતારી હતી. આ સાડી બંગાળની ઝીણવટભરી કારીગરી અને વારસાનું પ્રતિનિધિત્વ કરતી હતી.
બજેટ 2023: ઈલકલ અને કસુતી એમ્બ્રોઈડરી
2023માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવા માટે રેડ કલરની હેન્ડલૂમ સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી પર બ્લેક કલરની ટેમ્પલ બોર્ડર અને ગોલ્ડન ઝરીનું સુંદર કામ કરવામાં આવ્યું હતું. આ સુંદર સાડી કર્ણાટકના પ્રસિદ્ધ ઇલકલ વણાટ અને કસુતી એમ્બ્રોઈડરીનો અદભૂત નમૂનો હતો. તેમણે આ સાડી પરંપરા, શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને પ્રદર્શિત કરવા માટે પહેરી હતી.
બજેટ 2022: બોમકાઈ સાડી
2022માં બજેટ રજૂ કરવા માટે 2022-23 નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઓડિશાના ગંજામ જિલ્લાના બોમકાઈ ગામની પરંપરાગત સાડીમાં તેઓ જોવા મળ્યા હતા. ઘેરા કથ્થઈ અને રસ્ટ ટોનવાળી આ સાડી પહેરવાનું કારણ સ્થાનિક વણકરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ હતો.
બજેટ 2021: પોચમપલ્લી ઈકત
નિર્મલા સીતારમણે 2021માં બજેટ રજૂ કરવાના દિવસે તેલંગાણાની લાલ અને ઓફ-વ્હાઈટ પોચમપલ્લી ઈકત સિલ્ક સાડી પહેરી હતી. વાત કરીએ આ પર્ટિક્યુલર સાડીની પસંદગી કરવા પાછળના કારણની તો આ કલર રાષ્ટ્રની આશાસ્પદ સ્થિતિ, સ્થિતિસ્થાપકતા અને આર્થિક પ્રગતિ માટેના આશાવાદનું પ્રતીક ગણાય છે.
બજેટ 2020: બ્રાઈટ યેલો સિલ્ક સાડી
2020માં બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સુંદર અને ગ્રેસફૂલ લૂક આપતી બ્રાઈટ યેલો કલરની સિલ્કની સાડી પસંદ કરી હતી. યેલો કલર આશા, વિકાસ અને આર્થિક સદ્ધરતાનું પ્રતીક છે, જ્યારે આ સુંદર હેન્ડલૂક સાડી પર રહેલી ગ્રીન બોર્ડર શાંતિ અને સ્થિરતા દર્શાવતી હતી.
બજેટ 2019: મંગલગીરી સાડી
દેશના નાગરિકોને નિર્મલા સીતારમણનું પ્રથમ બજેટ હંમેશા યાદ રહેશે, કારણ કે તેમણે આ બજેટ રજૂ કરતી વખતે બ્રાઈટ પિંક મંગલગીરી સાડી પહેરી હતી. આ કલર આશા, સકારાત્મકતા અને એક નવા અધ્યાયના પ્રારંભને પ્રદર્શિત કરે છે. આ સાથે સાથે જ તેમણે ટિપીકલ બ્રિફકેસને બદલે પરંપરાગત લાલ 'બહી ખાતા' પકડીને એક નવા જ અંદાજમાં બજેટ રજૂ કર્યું હતું.
2026માં બજેટ રજૂ કરવા નાણાં પ્રધાન કઈ સાડી પહેરશે?
નિર્મલા સીતારમણની સાડીઓ આર્થિક મહત્વની સાથે સાંસ્કૃતિક ગૌરવનો પણ અહેસાસ કરાવે છે. હવે જ્યારે બજેટ પહેલી ફેબ્રુઆરી, 2026ના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 2026-27નું બજેટ રજૂ કરવા માટે આ વખતે તેઓ કયા રાજ્યની અને કેવી સાડી પરિધાન કરશે, એ મુદ્દે લોકોમાં અત્યારથી ઉત્સુક્તા જોવા મળી રહી છે.