Tue Jan 27 2026

Logo

White Logo

બોર્ડર 2ના ચાહકો માટે બેડ ન્યૂઝઃ પહેલા દિવસે મોર્નિંગ શો થયા કેન્સલ, જાણો કારણ

4 days ago
Author: Himanshu Chavada
Video

મુંબઈ: સની દેઓલના ચાહકો માટે આજે એટલે કે 23 જાન્યુઆરીનો દિવસ બહુ ખાસ હતો, કારણ કે જેની લાંબા સમયથી આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે 'બોર્ડર 2' ફિલ્મ આજે થિએટર્સમાં રિલીઝ થઈ હતી, પરંતુ દેશમાં ઘણા થિએટર્સમાં 'બોર્ડર 2' ફિલ્મનો સવારનો શો કેન્સલ કરવામાં આવ્યો હતો, જેથી ફેન્સ અને સિનેરસિકો નિરાશ થઈને પાછા ફર્યા હતા.

શા માટે મોર્નિંગ શો કેન્સલ થયા?

જે. પી. દત્તાની 1997ની ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ 'બોર્ડર 2' આજે થિએટર્સમાં રિલીઝ થઈ છે. 'બોર્ડર' તથા સની દેઓલના ફેન્સ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણે ટેકનિકલ અવરોધને કારણે 'બોર્ડર 2' ફિલ્મના વહેલી સવારના શો રદ કરવાની નોબત આવી હતી.

મળતી માહિતી મુજબ, 'કન્ટેન્ટ ડિલિવરી'માં થયેલા વિલંબને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. ફિલ્મનું ફાઈનલ ડિજિટલ કન્ટેન્ટ ગુરુવારે મોડી રાત સુધી તૈયાર નહોતું. 'UFO મૂવીઝ' જેવા ડિજિટલ ડિલિવરી પ્લેટફોર્મ્સે થિયેટર માલિકોને જાણ કરી હતી કે, કન્ટેન્ટ નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું મળશે.

 

કન્ટેન્ટ મોડું મળતા ઊભી થઈ સમસ્યા

વોટ્સએપ મેસેજ દ્વારા મળેલી માહિતી મુજબ, કન્ટેન્ટ ડાઉનલોડિંગ પ્રક્રિયા આજે સવારે 6:30 વાગ્યે શરૂ થઈ હતી. ફિલ્મનો રનટાઇમ 192 મિનિટ (3 કલાક અને 12 મિનિટ) જેટલો લાંબો હોવાથી, તેને સંપૂર્ણ ડાઉનલોડ કરીને સ્ક્રીનિંગ માટે તૈયાર કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગે તેમ હતો, તેથી સવારે સાડા સાત, આઠ કે નવ વાગ્યાના શોનું રદ કરવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસના વીકેન્ડને કારણે એડવાન્સ બુકિંગ ખૂબ જ મજબૂત હતું. વહેલી સવારે થિયેટર પહોંચેલા દર્શકોને શો રદ થતા નિરાશ થઈ પાછું ફરવું પડ્યું હતું. જોકે, સિનેમા હોલના સંચાલકોના જણાવ્યા મુજબ આ સમસ્યા કામચલાઉ છે. મોટા ભાગના થિયેટરોમાં સવારે 10 વાગ્યા પછીના શો રાબેતા મુજબ શરૂ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જોકે, ટી-સીરીઝ (T-Series) તરફથી આ સમસ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.