તેહરાન: ઈરાનમાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો, ઈરાન સરકારે બળપ્રયોગ અને હજારો લોકો હત્યા કરીને આ પ્રદર્શનો દબાવી દીધા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ નેવીના યુદ્ધ જાહાજો ઈરાન તરફ રવાના કર્યા હતાં, આ જહાજો ઈરાનની નજીક પહોંચ્યા છે. કોઈ પણ સમયે યુએસ ઈરાન પર હુમલો કરી શકે છે, એવામાં અહેવાલ છે કે ખામેની તેહરાનમાં એક ગુપ્ત ભૂગર્ભ ટનલમાં છુપાઈ ગયા છે.
અહેવાલ મુજબ ખામેની હાઈ સિક્યોરિટી વાળી ટનલમાં છુપાઈ ગયા છે, જે યુદ્ધ સમયની કટોકટી માટે સુપ્રીમ લીડરને મહત્તમ સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે.
અહેવાલમાં મુજબ આયાતુલ્લાહ અલી ખામેના ત્રીજા દીકરા મસૂદ ખામેનીએ તેમના પિતાના કાર્યાલયનો કાર્યભાર સંભાળ્યો છે.
ટ્રમ્પની ચેતવણી:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે યુસ નેવીના યુદ્ધ જહાજોનો કાફલો(આર્મડા) મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યો છે. જો તેઓ ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લે તો તુરંત હુમલો થઇ શકે એ માટે આ યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવી રહ્યા છે.
યુએસ નેવીના એક અધિકારીએ પુષ્ટિ આપી કે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન અને અનેક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર હાલમાં હિંદ મહાસાગરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં પહોંચી જશે.
ઇઝરાયલ અને યુકે પણ તૈયાર:
અહેવાલ મુજબ યુએસ અને ઇઝરાયલી એરબેઝને સુરક્ષિત રાખવા માટે વધારાની એડ ડિફેન્સ સિસ્ટમ પણ મોકલવામાં આવી છે. અહેવાલ મુજબ યુએસના સાથી દેશ ઇઝરાયલે પણ સંભવિત હુમલાની તૈયારી શરુ કરી છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખી છે. યુનાઇટેડ કિંગડમ કતાર સરકારની વિનંતી પર RAF યુરોફાઇટર ટાયફૂન જેટ મોકલશે.
ઈરાને ટ્રમ્પને પડકાર ફેંક્યો:
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર જનરલ મોહમ્મદ પાકપોરે ટ્રમ્પને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાની ડિફેન્સ ફોર્સીઝ પહેલા કરતાં વધુ તૈયાર છે, આંગળી ટ્રિગર પર જ છે. કોઈપણ હુમલાને "ઓલ આઉટ વોર" ગણવામાં આવશે, અને ઈરાન "શક્ય તેટલી કડક રીતે" જવાબ આપશે.