(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ નાગરિકો સતત લૂંટાઈ રહ્યા છે તેવામાં ભુજમાં એકાંકી જીવન ગાળતાં ૬૦ વર્ષીય વૃદ્ધાને સતત બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ. ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લીધાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
શું છે મામલો
આ અંગે ભુજના કોડકી રોડ પર પ્રભુ પાર્ક પાસે વિનાયકી રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષીય રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ્ જોશીએ દર્જ કરાવેલી ફરિયાદને ટાંકીને પી.આઈ કિંજલબેન રાઠોડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ 'તમારું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે અને થોડીકવારમાં બંધ થઈ જશે તેમ કહીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથરોટી ઑફ ઈન્ડિયા (TRAI)ના નામે ગઠિયાઓએ તેમને ડરાવ્યા હતા.
મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી કર્યા ડિજિટલ એરેસ્ટ
ત્યારબાદ મુંબઈના કોલાબા પોલીસ મથકના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનારા શખ્સે તેમને વિડીયો કોલ કરી વૃદ્ધાને તાત્કાલિક રૂબરૂ આવવાનું, તેમજ સીબીઆઈ ચીફ અને સુપ્રીમ કોર્ટના જજનો સ્વાંગ ધારણ કરીને વિડીયો કોલ મારફતે ખોટાં હુકમો બનાવીને વૃધ્ધાને વધુ ફફડતા કરી દીધા હતા. કેનેરા બેન્કમાં તેમના નામના ખાતામાં કરોડોની હેરફેર થઈ હોવાનું, મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહીને ગઠિયાઓએ તેમને હાઉસ અરેસ્ટ એટલે કે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.
આ કેસના સેટલમેન્ટના નામે સાયબર ચીટરોએ પોતે જે બેન્ક ખાતાં. નંબર આપે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવા સૂચના આપી હતી. ગત ૨૮ નવેમ્બરના રોજ વૃદ્ધાએ નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ટુકડે ટુકડે સાયબર ક્રિમિનલોની સૂચના મુજબ તેઓ જે બેન્ક ખાતાં નંબર આપે તેમાં રૂપિયા જમા કરાવતાં રહેતાં હતા.
ગુનાનો ભોગ બનનાર રાજ્યલક્ષ્મીબેને તેમની બહેન વિજયાલક્ષ્મી સાથે પોસ્ટ વિભાગમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સનું એક જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું. જેમાં લાખો રૂપિયાની માતબર રકમ જમા હતી. સાયબર ચીટરોએ વૃદ્ધાને ડરાવી દેતાં રાજ્યલક્ષ્મીબેન તેમની મંજૂરીથી દિલ્હી જઈ બહેન વિજયાલક્ષ્મીને ભુજ તેડી લાવેલા અને ચીટરોને સૂચના મુજબ જોઈન્ટ ખાતાં પર ૪૦ લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ લોન મેળવીને તેમના ખાતામાં જમા કરાવી હતી.
ચીટરો સતત તેમને વીડિયો કોલ કરીને રાઉન્ડ ઘી ક્લોક નજર રાખતા હતા. દરમિયાન, એકાંકી જીવન ગાળતાં રાજ્યલક્ષ્મી બેનને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યાં હોવાની વિગતો મળતાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટુકડીએ તેમનો સંપર્ક કરી, રૂબરૂ મળીને તેમને કથિત ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યાં હતા.
બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો તળે અજ્ઞાત સાયબર માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.