રાજકોટઃ રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી સાથે નરાધમીએ સ્કૂલવાનમાં દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ કેસમાં રમેશ કાનાભાઈ ખરાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને મેડિકલ ચેકઅપ અર્થે ખસેડવામાં આવ્યો અને પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના કારણે વાલીઓમાં પોતાની દીકરીઓ ચિંતા વ્યાપી છે.
પરિવારને શંકા જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
આ કેસની વાત કરવામાં આવે તો આરોપીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યાં બાદ વિદ્યાર્થિનીને ધમકાવી હતી કે, જો તે કોઈને આ અંગે જાણ કરશે તો તે તેને છોડશે નહીં. જેથી વિદ્યર્થિની ગભરાઈ ગઈ હતી. કિશોરી ઉદાસ રહેતી હોવાના કારણે પરિવારને શંકા ગઈ હતી, જેથી પરિવારજનોએ સમજાવી પૂછપરછ કરતાં હકીકત જાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીની હિંમત અને પરિવારની સમજણથી આ ઘટના બહાર આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
અવાવરૂ જગ્યાએ લઈ જઈ વાનમાં જ દુષ્કર્મ આચર્યું
આરોપી રમેશ ખરા પાળ ગામમાં રહે છે અને છેલ્લા એકાદ વર્ષથી તેની વાનમાં સ્કૂલે આવતી-જતી આ વિદ્યાર્થિનીનો ફોનનંબર મેળવીને વ્હોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સંપર્ક જાળવી રાખતો હતો, તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. બે દિવસ પહેલાં સ્કૂલથી છૂટીને વાનમાં બેસેલી વિદ્યાર્થિનીને અમીન માર્ગ નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ વાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ અંગે કોઈને ના કેવાની ધમકી પણ આપી હતી. અગાઉ પણ આરોપીએ તેની સાથે છેડછાડ કરીને ધમકી આપી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસે કાર્યવાહી કરતા આરોપીની સ્કૂલવાન કબજે કરી
પોલીસ તપાસમાં આરોપીના ઘરમાં 12 વર્ષની પુત્રી હોવાનું અને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આરોપીની સ્કૂલવાન કબજે કરી લેવામાં આવી છે. આરોપીની વાનમાં અનેક દીકરીઓ આવતી હતી. જેથી અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય થયું છે કે કેમ? તેની પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટના વાલીઓ માટે ચિંતા સર્જે તેવી છે. જેથી હવે જો તમારું બાળક સ્કૂલવાનમાં સ્કૂલમાં જાય છે તો તેના પર પૂરતી નજર રાખજો. વાન ચલાવતા ડ્રાઈવર પહેલા ખાસ તપાસ કરાવી જોઈએ.