Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદ પોલીસની મોટી સફળતા: મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઝડપાયો...

1 week ago
Author: Tejas
Video

Ahmedabad Vejalpur and Zone-7 Police


અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હાથ ધરેલા અભિયાનમાં એક મોટી સફળતા સાંપડી છે. વેજલપુર અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે એક ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને શહેરના મોસ્ટ વોન્ટેડ આરોપી અઝહરને દબોચી લીધો છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેતો આ ગુનેગાર આખરે જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. 

ધરપકડ કરાયેલા આરોપી અઝહરનો ગુનાહિત ભૂતકાળ અત્યંત ભયાનક છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી અને મારમારી જેવા કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. ખાસ કરીને તે ગુજસીટોક (GujCTOC) જેવા કડક કાયદા હેઠળ પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ધરપકડ દરમિયાન પોલીસને તેની પાસેથી રોકડ રકમ, એક વાહન અને શંકાસ્પદ વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે, જે દિશામાં હવે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

અઝહરની ગુનાખોરીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, અગાઉ તેને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. જોકે, સુધરવાના બદલે તેણે જેલની બહાર આવી ફરીથી ગુનાખોરીની દુનિયામાં પગ પેસારો કર્યો હતો. જામીનની શરતોનો ભંગ કરીને નવા ગુના આચરવા બદલ કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારથી તે ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોલીસ તેના દરેક સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી રહી હતી.

આરોપી અઝહર માત્ર ગુનેગાર જ નહીં પણ સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો. તે પોતાની ધાક જમાવીને લોકો પાસેથી બળજબરીથી ખંડણી ઉઘરાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોકો તેના ડરથી ફરિયાદ કરતા પણ ગભરાતા હતા. હાલમાં વેજલપુર પોલીસે આરોપીનો કબજો મેળવીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને વિદેશી ચલણ ક્યાંથી આવ્યું તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.