મુંબઈ: ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ટી20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશની ટીમ સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ છે. રમત અને રાજનીતિ વચ્ચે ચાલી રહેલી લાંબી ખેંચતાણનો આખરે અંત આવ્યો છે, જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક વલણ અપનાવતા બાંગ્લાદેશનું પત્તું કાપી નાખ્યું છે. આ નિર્ણયને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ચર્ચા જાગી છે.
ICC એ પુષ્ટિ કરી છે કે ટી20 વર્લ્ડ કપ 2026 માં હવે બાંગ્લાદેશના બદલે સ્કોટલેન્ડની ટીમ રમતી જોવા મળશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પત્ર લખીને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. સ્કોટલેન્ડને હવે ગ્રુપ C માં સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં તેમનો મુકાબલો ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી જેવી ટીમો સાથે થશે. બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમની બાદબાકી એ ટૂર્નામેન્ટના સમીકરણો બદલી નાખ્યા છે.
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ બાંગ્લાદેશની જીદ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સ્પષ્ટ માંગ કરી હતી કે તેઓ ભારતમાં વર્લ્ડ કપના મેચો નહીં રમે અને તેમના મેચો શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષાના પાસાઓ તપાસ્યા બાદ ભારતમાં કોઈ ખતરો નથી. અંતે આ મામલે ICC બોર્ડમાં વોટિંગ કરવામાં આવ્યું, જેમાં બાંગ્લાદેશની કારમી હાર થઈ. 14-2 ના બહુમત સાથે ભારતમાં મેચો યોજવાને મંજૂરી મળી, પરંતુ બાંગ્લાદેશે પીછેહઠ ન કરતા તેમને ટૂર્નામેન્ટમાંથી જ હટાવી દેવામાં આવ્યા.
આ વિવાદના મૂળ આઈપીએલ (IPL) ની હરાજીમાં રહેલા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારોના વિરોધમાં ભારતમાં રહેમાનનો વિરોધ થયો, જેના કારણે BCCI એ તેને રિલીઝ કરી દીધો. આ નિર્ણયથી બાંગ્લાદેશ બોર્ડ રોષે ભરાયું હતું અને તેમણે સુરક્ષાનું બહાનું ધરીને ભારતનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
બાંગ્લાદેશે દલીલ કરી હતી કે ભારતમાં તેમના ખેલાડીઓની સુરક્ષાને જોખમ હોઈ શકે છે. પરંતુ એક સ્વતંત્ર સુરક્ષા એજન્સીના અહેવાલ મુજબ જોખમનું સ્તર 'ઓછું' હોવાનું સામે આવ્યું હતું. ICC એ વારંવાર સમજાવવા છતાં જ્યારે બાંગ્લાદેશ પોતાની જીદ પર અડગ રહ્યું, ત્યારે કાઉન્સિલે ટૂર્નામેન્ટની ગરિમા જાળવવા માટે સ્કોટલેન્ડને તક આપવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી બાંગ્લાદેશી ક્રિકેટને મોટો આર્થિક અને પ્રતિષ્ઠાનો ફટકો પડ્યો છે.