રાજકોટઃ લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ જાહેર કર્યા હતા. આમ, આનંદીબેન પટેલનાં દીકરી અનાર પટેલ ખોડલધામનાં સર્વેસર્વા બન્યા છે, જેઓ શું કામગીરી કરે છે તે જાણવા લોકો આતુર છે.
સામાજિક સેવા સાથે છે સંકળાયેલા
અનાર પટેલ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સામાજિક સેવા સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દા પર કામ કરી રહી છે. 2027ના ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે તેમને ખોડલધામના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારે તેની ગુજરાતમાં ભારે ચર્ચા થઈ રહી છે.
ખોડલધામના દર્શન બાદ શરૂ થઈ હતી ચર્ચા
ઓક્ટોબર 2022માં અનાર પટેલ કાગવડ ખોડલધામમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. જે બાદ અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ વહેતી થઈ હતી. આ ઉપરાંત તેઓ વડોદરાની માંજલપુર સીટથી ચૂંટણી લડશે તેવી પણ અહેવાલ આવ્યા હતા. જોકે અનાર પટેલે 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ પક્ષમાંથી લડ્યા નહોતા. જાન્યુઆરી 2023માં તેમને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવાયા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામના પાટોત્સવ પર આ જાહેરાત કરવામાં આવી હતી. આ અવસર પર નરેશ પટેલે કહ્યું હતું કે, આ ટ્ર્સ્ટની સ્થાપના ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો સહયોગ મળવાથી થઈ છે.
17,000 કલાકારોને ક્રાફ્ટ રૂટ દ્વારા જોડયા
અનાર પટેલની ઓળખ સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે છે. તેઓ રિયલ એસ્ટેટના કારોબારમાં પણ સક્રિય છે, પરંતુ મહિલા સશક્તિકરણ માટે ઘણું કામ કરી રહ્યા છે. તેઓ ગ્રામશ્રી નામના એનજીઓનાં મેનેજિંગ ટ્રસ્ટી પણ છે. તેઓ ક્રાફ્ટ રૂટ્સ નામથી અભિયાન પણ ચલાવે છે. જેના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તેઓ હેન્ડિક્રાફ્ટ અને બીજા કલાકારોની મદદ પહોંચાડે છે. અનાર પટેલ તેમની સંસ્થા દ્વારા આ કલાકારોને વિવિધ સંસ્થા સાથે જોડે છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ કલાકારોને ક્રાફ્ટ રૂટ દ્વારા જોડી ચુક્યા છે.
નિરમા યુનિવર્સિટીથી કર્યું છે એમબીએ
અનાર પટેલે પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીથી એમબીએની ડિગ્રી મેળવી છે. તેમના માતા જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ સૌ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. કોંગ્રેસે તેમના પર સસ્તામાં સરકારી જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં અનાર પટેલ સામે આવ્યા હતા અને કોંગ્રેસના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.
નરેશ પટેલ અને અનાર પટેલની જોડી શું કરશે?
અનાર પટેલના નેતૃત્વમાં ખોડલધામ સંગઠન હવે શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સમાજ ઉપયોગી વધુ પ્રકલ્પો હાથ ધરે તેવી શક્યતાઓ છે. નરેશ પટેલ અને અનાર પટેલની જોડી પાટીદાર સમાજ અને અન્ય સમાજો વચ્ચે સેતુરૂપ બની સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.